જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 પાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર : પાંચ તાલુકા પંચાયતના કુલ 5,30,995 અને 3 પાલિકાના 1,87,247 મતદારો નોંધાયા મોરબી : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી સમયમાં સંભવિત ચૂંટણીઓની ધ્યાને લઈને તંત્ર દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાની ચાર નગરપાલિકામાંથી એક હળવદ નગરપાલિકાની મુદત હજુ પુરી થઈ ન હોવાથી બાકીની મુદત પૂરી થયેલી ત્રણ નગરપાલિકા મોરબી, વાંકાનેર અને માળીયાની ચૂંટણી યોજાશે. આથી, હળવદ પાલિકાને બાદ કરતાં આ ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ છે. મોરબી, માળીયા અને વાંકાનેર નગરપાલિકા તેમજ મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા અને હળવદ એમ આ પાંચ તાલુકા પંચાયતની જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદી મુજબ મોરબી તાલુકા પંચાયતના 94444 પુરુષ, 87184 સ્ત્રી અને 2 અન્ય મળીને કુલ 181630 મતદારો નોંધાયા છે. વાંકાનેર તાલુકા પંચાયતના 68000 પુરુષ, 63731 સ્ત્રી મળીને કુલ 131731 મતદારો તેમજ માળીયા (મી) તાલુકા પંચાયતના 26486 પુરુષ, 23473 સ્ત્રી મળી કુલ 49959 મતદારો તથા ટંકારા તાલુકા પંચાયતના 34212 પુરુષ, 32921 સ્ત્રી મળી કુલ 67133, મતદારો અને હળવદ તાલુકા પંચાયતના 52958 પુરુષ, 47584 સ્ત્રી મળી કુલ 100542 મતદારો નોંધાયા છે. મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં મોરબી પાલિકાના 76728 પુરુષ, 70791 સ્ત્રી, અન્ય 1 મળીને કુલ 147520 મતદારો અને વાંકાનેર નગરપાલિકાના 15403 પુરુષ, 14253 સ્ત્રી મળી કુલ 29656 મતદારો તેમજ માળીયા (મી.) નગરપાલિકાના 5278 પુરુષ, 4793 સ્ત્રી મળી કુલ 10071 મતદારો નોંધાયા છે. આ ત્રણ નગરપાલિકાના કુલ 187247 જેટલા મતદારો છે. જેમાં ત્રણેય નગરપાલિકાના 97409 પુરુષ અને 89837 સ્ત્રી અને અન્યમાં એક મતદારનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ તાલુકા પંચાયતના કુલ 530995 મતદારો છે. જેમાં 276100 પુરુષ, 254893 સ્ત્રી અને અન્ય બે મતદારો છે. આ પાંચેય તાલુકા પંચાયતના મતદારો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગણાય છે એટલે જિલ્લા પંચાયત માટે પણ કુલ 530995 મતદારો નોંધાયા છે. 3 નગરપાલિકા પાંચ તાલુકા પંચાયત મળીને કુલ જિલ્લાના 7,18,242 મતદારો થાય છે. જેમાં 373509 પુરુષ અને 344730 સ્ત્રી તથા અન્ય 3 મતદારોનો સમાવેશ થાય છે. આ હજુ પ્રાથમિક યાદી છે. જેમાં સુધારા વધારા સાથે હવે પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે.