મોરબી : મોરબી – માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મેઘજીભાઇ કણજારીયાના અકાળે નિધન અન્વયે શોકની લાગણી વ્યક્ત કરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ યાદીમાં જણાવ્યું છે કે તેમનું દુ:ખદ અવસાન મોરબી ભાજપ જિલ્લા પરિવાર માટે ખરેખર એક ભારે મોટા વજ્રઘાત જેવું અનુભવાયું છે. મેઘજીભાઇ કણજારીયા સાથે મારે વર્ષો જૂનો સ્નેહ સંબંધ હતો. ખંભાળિયાના ધારાસભ્ય તરીકે તેમણે આપેલી સેવાઓનો હું પરોક્ષસાક્ષી રહ્યો છું. તેઓ હંમેશા છેવાડાના લોકોના સુખ માટે ચિંતા સેવતા હતા અને જીવન પર્યન્ત તેઓ વંચિતોની સેવા માટે કાર્યરત રહ્યા હતા. ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે મેઘજીભાઈનું કાર્ય મેં ખૂબ નજીકથી નિહાળ્યું, તેમનામાં મેં ભાજપના એક કર્મઠ આગેવાન અને સમર્પિત કાર્યકર્તાના દર્શન કર્યા હતા. તેમના અવસાનથી મોરબી જિલ્લા ભાજપ પરિવારને તેમજ પ્રદેશ કક્ષાએ ભાજપને એક કસાયેલા આગેવાન ગુમાવ્યાનો રંજ ખૂબ સાલશે. વધુમાં, બ્રિજેશ મેરજાએ સદગતને ભાવાંજલી અર્પતા જણાવ્યું છે કે સતવારા સમાજના તેઓ બેલી હતા. હરહંમેશ સતવારા સમાજના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે તેઓ તત્પર રહેતા હતા. મોરબીના વાડી વિસ્તારમાં વસવાટ કરતાં સતવારા સમાજના હિતોની રખેવાળી માટે તેઓ પ્રતિબધ્ધ હતા. આમ, તેમના અવસાનથી સતવારા સમાજે પણ એક ભાવનાશાળી આગેવાન ગુમાવ્યાની લાગણી મહેસુસ કરી છે. અંતમાં સદગતના આત્માની ચિર: શાંતિ માટે પ્રાથના કરી તેમના પરિવાર પરત્વે દિલસોજી વ્યક્ત કરી મેઘજીભાઇ કણજારીયાની ખોટ મોરબી પંથકને ખૂબ સાલશે તેવા અફસોસ સાથે અંજલિ અર્પી છે.