ટંકારા : ટંકારા તાલુકામાં લોકોએ દાન-પુણ્ય કરી અને રંગબેરંગી પંતગો ઉડાવી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. લોકોએ સ્વયંભૂ ચાઈનીઝ તુકલ ન ઉડાવી દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રયાસ કર્યો હતો. સવારથી જ આકાશે રંગબેરંગી વાઘા ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમુક પંતગ રસિયાઓએ તો અગાશી પર જ સ્વાદિષ્ટ ભોજનીયા આરોગ્યા હતા. 'એ ગઈ...', 'કાઈપો છે...'ના ગગનભેદી નારા સાથે ડિજે સાથે નાચગાન કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ટંકારામાં સવારે પંતગ રસિયાએ પેચ લગાવી આકાશને રંગબેરંગી કરી દીધું હતું. તો બપોરે ડીજેના તાલે ગરબા ઘુમી સૌ કોઈ જુમ્યા હતા અને ઢળતી સાંજે છત પર ફટાકડાની આતસબાજી કરી દીવાળી જેવો માહોલ ઉભો થયો હતો. આમ, એક જ દિવસે મોજીલા ટંકારાવાસીઓએ મન ભરીને પતંગના તહેવારની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ તુકલ ન ઉડાવીને અને પંખીઓના ઉડવા સમયે તકેદારી રાખીને ટંકારાવાસીઓએ અલગ મિશાલ કાયમ કરી હતી. તેમજ ભાટીયા પરીવારને ત્યાં તમામ મહોલ્લાના પંતગબાજોએ શેરડી, ચીકી, ભેળ, લાડુ અને જીંજરાની જયાફત માણી હતી.