મનુષ્યોની મજા અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું આવશ્યક મોરબી : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ સંદર્ભે તા. ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ઉત્તરાયણ નિમિતે પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને ઉત્તરાયણ જેવા પર્વની ઉજવણી જેવો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે. આ સંદર્ભે કરૂણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. પતંગોના જ્યાં-ત્યાં ફસાયેલા દોરાનો નાશ કરવો ઉતરાયણના પર્વ પર પતંગોથી આકાશ છવાઈ જતું હોય છે અને પતંગના પેચ લડાવવા માટે જ્યાં ત્યાં તેની કાતિલ દોરીઓ ફસાઈ જતી હોય છે. પરિણામે આ કાતિલ દોરીઓ પશુ-પક્ષીઓ અને વાહનચાલકો માટે પણ ઘાતક સાબિત થતી હોય છે. આવી જ્યાં ત્યાં લટકતી કાતિલ દોરીઓથી કોઈનો જીવ જઈ શકે એમ હોય છે. આથી, જાગૃત નાગરિકોએ આવી કાતિલ દોરીનો નાશ કરવાની અપીલ કરી છે. પશુઓને વધુ ન ખવડાવવાની અપીલ મકરસંક્રાંતિ એટલે દાન પુણ્યનું મહાપર્વ. મકરસંક્રાંતિએ લોકો દાનની સરવાણી વહાવી દેતા હોય છે. જેમાં ખાસ કરીને ગાય માતા સહિતના પશુઓને ઘાસચારો કે અનાજ ખવાડવામાં આવે છે. પણ દરેક લોકો દાન કરતા હોવાથી વધુ અનાજ કે ઘાસચારો ખાવાથી પશુઓને આફરો ચડી જાય છે. આથી, યદુનુંદન ગૌશાળાના સેવાભાવી કાનાભાઈ જારીયાએ મકરસંક્રાંતિના દિવસે પશુઓને વધુ પ્રમાણમાં ઘાસચારો કે અનાજ ન ખવાડવા અને જરૂર પૂરતું જ દાન કરવાની અપીલ કરી છે. મોરબી જિલ્લામાં પતંગના દોરાથી ઘાયલ થતા પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્રો શરૂ મોરબી જિલ્લામાં ઉત્તરાયણ ફીવર જોવા મળી રહ્યો છે. પતંગોની દોરી કાતિલ હોવાથી આકાશમાં પતંગ ચગાવતી વખતે ગગન વિહાર કરતા પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે. પતંગની કાતિલ દોરીથી પક્ષીઓની જિંદગીઓ કપાઈ જતી હોય છે. તેમજ પશુઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. તેથી, ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરૂણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત તા.૧૦થી તા.૨૦ દરમ્યાન પશુ પાલન વિભાગ દ્વારા સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક ઘાયલ પશુ-પંખીઓને સારવાર મળે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. તાત્કાલિક ઘાયલ પશુ-પંખીઓને સારવાર મળે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર મોરબીના જેલ રોડ ઉપર આવેલ પશુ દવાખાનામાં ડો. એ. એન. કાલરીયા, આર. એસ. જાકાસણીયા-૯૯૨૫૦૩૯૨૪૯, ટંકારાના પશુ દવાખાનામાં ડો. એન. ડી. ભાડજા, એમ. સી. સદાતીયા-૯૯૦૯૪૧૪૨૬૪, માળિયાના પશુ દવાખાનું બાયપાસ રોડ, તાલુકા પંચાયતની બાજુમાં ડો. એચ. ડી. ચીખલીયા, એ. આર. વિડજા- ૯૯૭૯૮૭૮૭૫૭, વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ પશુ દવાખાનામાં ડો. વી. આર. વસીયાણી, એમ. એમ. મોરડીયા-૮૪૬૯૪૭૧૭૭૧, હળવદના દશામાં મંદીર પાસે આવેલ પશુ દવાખાનામાં ડો. એન. ટી. નાયકપરા, એમ. એમ. ગઢવી-૯૭૧૨૬૩૩૦૫૨, કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ નંબર ૯૪૨૭૬૯૧૭૭૩ તેમજ ખાનગી સેવાભાવી સંસ્થા મંગલમય એજ્યુકેશન ટૃસ્ટના ડો. વિકાસભાઈ પટેલ-૭૦૧૬૨૫૭૦૭૦ અને કર્તવ્ય જીવદયા કેન્દ્રના ડૉ.વીશુભાઈ પટેલ-૯૫૭૪૮૮૫૭૪૭ નો પતંગના દોરાથી ઘાયલ થતા અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે તાત્કાલિક સંપર્ક કરી શકાશે.