પેસેન્જરે મજૂરનો મોબાઈલ પરત કર્યો અને આવવા-જવાનું ભાડું પણ આપ્યું માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામના રહીશનો મોબાઈલ બસમાં ભુલાઈ ગયો હતો. એક પેસેન્જરને આ મોબાઈલ બસમાં મળ્યો હતો. જે મોબાઈલ પેસેન્જરે મૂળ માલિકને પરત કર્યો તેમજ આવવા-જવાનું ભાડું પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે પેસેન્જરે ઈમાનદારી દાખવી માનવતા મહેકાવી છે. મોટા દહીંસરા ગામના રહીશ વલ્લભભાઈ ટપુભાઈ ખાનગી ટ્રાવેલ્સની બસમાં જામનગરથી આવતા હતા. ત્યારે જાંબુડા ગામથી દેવજી દેવીપૂજક મજૂરી કામેથી પરત ફરતો હતો. ત્યારે તે બસમાં મોબાઈલ ભૂલી ગયા હતા. આ મોબાઈલ વલ્લભભાઈને મળતા તેણે મૂળ માલિકની તપાસ કરી તેનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વલ્લભભાઈએ મોબાઈલ દેવજીભાઈને પરત કર્યો અને આવવા-જવાનું બસનું ભાડું પણ આપ્યું હતું. આમ, વલ્લભભાઈએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.