ભરશિયાળે આવી પરિસ્થિતિ તો ઉનાળો કેમ નીકળશે? : ગ્રામજનોમાં ચિંતા, ક્ષારયુક્ત પાણી પીવાથી ગામ લોકો માંદગીમાં સપડાવાની ભીતી જરૂર પડે અમે મતદાનનો બહિષ્કાર કરીશું : સુરવદર ગામની મહિલાઓનો વિડિઓ વાયરલ હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે પાછલા ઘણા સમયથી પીવાના પાણીના ધાંધીયા છે. ગ્રામ પંચાયતનો બોર તો છે પરંતુ પાણી પીવા લાયક આવતુ નથી. જેને લઇ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તેમજ રાજ્યના પાણી પુરવઠા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં લોકોને પીવા માટે મીઠું પાણી નથી મળી રહ્યું ત્યારે હળવદ તાલુકાના સુરવદર ગામે ઘણા સમયથી પાણીનો દેકારો બોલી રહ્યો છે. અહીં સુરવદર ગામે પંચાયત હસ્તકનો પાણીનો બોર તો છે પરંતુ તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાને કારણે ગ્રામજનોને પથરી, પેટ, હાડકા, સાંધા સહિતના દુ:ખાવાઓ થઈ જાય છે. જેથી, ગ્રામજનોને પીવાલાયક પાણી આપવા માટે આજે હળવદ તાલુકા વિકાસ અધિકારી અને રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં ગ્રામ પંચાયતના સભ્ય જીતાભાઈ આહિરે જણાવ્યું હતું કે અમોને ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ મત આપી બેસાડ્યા છે. કારણ કે અમે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરી શકીએ પરંતુ પાછલા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં ગામનો પાણીનો પ્રશ્ન આજ દિન હલ સુધી થયો નથી. જેથી, આગામી દિવસોમાં પીવાલાયક પાણી આપવામાં નહીં આવે તો મારી સભ્ય પદેથી રાજીનામું દેવાની પણ તૈયારી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરવદરના ગ્રામજનોને ક્યારે પીવાલાયક પાણી આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરવદ ગામની મહિલાઓનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં મહિલાઓ બોલી રહી છે કે જરૂર પડે અમે મતદાનનો બહિષ્કાર કરીશું અને પાણી ન આપો તો ગામમાં મત માટે આવશો ત્યારે સોટા ખાશો.