દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાતા વાવડીરોડના રહેવાસીઓનો રોષ ચરમસીમાએ : સમસ્યાઓના નિરાકરણ માટે તંત્ર કરેલા વાયદાઓ પર ભૂગર્ભ ગટરના પાણી ફરી વળ્યાં મોરબી : વાવડી રોડની સમસ્યા અંગે તંત્રએ અનેક વખત સમસ્યાઓના ઉકેલની ખાત્રી આપી હતી પરંતુ મોરબી શહેરની સમસ્યાઓનો અંત આવવાના બદલે દિવસે દિવસે સમસ્યામાં વધારો થઈ રહ્યો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. આ સંદર્ભે વાવડી રોડની હાલત ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી પાછલા ઘણા અઠવાડિયાઓ દરમ્યાન દયનીય બની છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો નિવેડો ન આવતાં હવે તો સ્થાનિકો પણ રોષે ભરાયા છે વાવડી રોડનું સમારકામ ઘણા સમય પહેલા શરૂ થયું ત્યારે અણધડ કામગીરીને લઈને એ કાર્ય અધવચ્ચે જ બંધ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર દ્વારા જે તે સમયે ચાલતું કામ જૈસેથે સ્થિતિમાં પડતું મુકવામાં આવતા એક સાઈડનો માર્ગ લગભગ બંધ જેવી સ્થિતિમાં આવી ગયો હતો. વિધાનસભાની પેટા ચૂંટણી બાદના સમયથી જ આ માર્ગ પર ભૂગર્ભ ગટરના પાણી સતત ભરાયેલા રહેવાથી અને અધૂરા છોડલા કામને લઈને આ સ્થળ પર હાલ ભૂગર્ભ ગટરના પાણીની તીવ્ર દુર્ગંધ ફેલાયેલી રહે છે. વળી સતત ભરાયેલા પાણીને કારણે લીલ-શેવાળ જામી ગઈ હોવાથી અજાણ્યા વાહનચાલકો અને રાહદારીઓના લપસી પડવાની ઘટનાઓ પણ બને છે. આસપાસના વેપારીઓ-દુકાનદારો- ધંધાર્થીઓના ધંધા-વેપાર પર પણ માઠી અસર પહોંચી રહી હોવાનું સ્થાનિક દુકાનદારો જણાવી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા હવે તો સ્થાનિકોનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે. વાવડી રોડ પર અગાઉથી જ આવી સેંકડો સમસ્યાઓ ચાલી આવતી હોય આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એકાદ વર્ષ પહેલાં અહીં રોડ બની રહ્યો હતો ત્યારે સ્થાનિકોને તમામ સમસ્યાનું નિરાકરણ થઈ જવાની આશા હતી જે હાલ તો ઠગારી નીવડી છે. આ વિસ્તારની સમસ્યાઓને લઈને સ્થાનિક નેતાઓએ અગાઉ વારંવાર આ વિસ્તારની અણછડતી મુલાકાતો લીધી હતી. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે અહીં લોકદરબાર પણ યોજવામાં આવ્યો હતો. પણ એ બધી કવાયત દળી દળીને ઢાંકણીમાં ગઈ હોય એવી સ્થિતિ હાલ વાવડીરોડના રહીશો, વેપારીઓ અનુભવી રહ્યા છે ત્યારે હાલ વહીવટદારના શાસનમાં આ સમસ્યાનો હલ આવે એવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.