સર્વે દરમિયાન હાલ એકપણ પક્ષીમાં બર્ડ ફ્લુનો કેસ જોવા મળ્યો નહિ મોરબી : હવે બર્ડ ફ્લુની મહામારી ગુજરાતમાં પણ પ્રવેશી ગઈ છે.ત્યારે મોરબી જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે અને પક્ષીઓમાં આ બીમારી છે કે કેમ તે ચકાસવા માટે પશુપાલન વિભાગ દ્વારા મોરબી જિલ્લાના 397 પોલટ્રી ફોર્મમાં સંઘન સર્વે કરવામાં આવ્યો છે.સર્વે દરમિયાન એકપણ પક્ષીમાં બર્ડ ફ્લુનો કેસ જોવા ન મળતા હાલ રાહત મળી છે. વાંકાનેર પંથકમાં 372, ટંકારામાં 19, માળીયામાં 4, હળવદમાં 1 અને મોરબીમાં 1 મળીને જિલ્લાના 397 પોલટ્રી ફાર્મમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં વાંકાનેરમાં 282, ટંકારામાં 19, માળીયામાં 4, હળવદમાં 1 અને મોરબીમાં 1 પોલટ્રીફાર્મમાં હાલ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જો કે વાંકાનેરમાં પોલટ્રીફાર્મ વધુ હોવાથી હજુ ત્યાં સર્વે ચાલુ છે.મોરબી જિલ્લામાં 13 લાખ જેટલા પક્ષીઓ નોંધાયેલા છે.જેમાં સૌથી વધુ 10 લાખથી ઉપરના પક્ષીઓ તો એકલા વાંકાનેર પંથકના પોલેટ્રી ફાર્મમાં છે. એટલે વાંકાનેરમાં સાત જેટલી પશુપાલન વિભાગની ટીમ સર્વ કરી રહી છે.બાકીના તાલુકાઓમાં પશુપાલન વિભાગની 1-1 ટીમે સર્વે કર્યો હતો.જો કે આ સર્વે દરમિયાન હજુ સુધી પક્ષીઓમાં બર્ડ ફલૂ બીમારીના લક્ષણો દેખાયા નથી.એટલે હાલ મોરબીમાં આ બીમારીનો પગપેસારો થયો ન હોવાથી રાહત છે.આથી આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી રમેશભાઈ કાવરે જણાવ્યું હતું કે, હાલ તો રાહત છે આમ છતાં પણ મોટી સંખ્યામાં પશુ કે પક્ષીઓ મરેલા કે શંકાસ્પદ લક્ષણો દેખાઈ તો તુરત જ પશુપાલન વિભાગનો સંપર્ક કરે અને લોકો સતર્ક રહે તેવી તેમણે અપીલ કરી છે.