દેશનું પ્રથમ રાજય ગુજરાત છે કે જે ખેડૂતોને દિવસે પણ વિજળી આપશે:.સાંસદ મોહનભાઇ કુંડારીયા ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ૧૩ ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપતી મહત્વકાંક્ષી યોજના 'કિસાન સૂર્યોદય યોજના'નો ઇ-તકતીથી રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રારંભ કરાવ્યો હતો. મોરબી જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી “કિસાન સુર્યોદય યોજના”નો પ્રારંભ કરતાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ કે, ટંકારા તાલુકાના ૧૩ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવી લેવા સાથે ર૦રરના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોને આ યોજનાથી દિવસે વીજળી મળી રહેશે. રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૩૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ વાળી આ યોજનામાં તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ તકે વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની વિજળીની સમસ્યાને દુર કરવા સપનુ જોયુ હતું, જે જયોતિગ્રામ યોજના થકી પુરુ કર્યુ હતું. તેમના હસ્તે જુનાગઢથી શરૂ થયેલ કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં કુલ ૧૦૫૫ ગામોમાં આ યોજનાની શરૂઆત કરી. જયરર બીજા તબક્કામાં ૩૦૦૦થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને એમ્સ હોસ્પીટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કાર્યમક્રમના પ્રારંભે પુસ્તકો આપી પી.જી.વી.સી.એલના અધિક્ષક ઇજનેર વી.એલ. ડોબરીયા દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ સ્વાગત ગીત મહેમાનો સમક્ષ રજુ કરવામાં આવેલ હતુ. કાર્યક્રમના અંતે જેટકોના અધિક્ષક ઇજનેર એસ.વી. સેલાણીએ આભારવિધિ કરી હતી.