મોરબી : શિક્ષણ ક્ષેત્રે આવતી વિવિધ સમસ્યાઓને પોતાની આગવી પ્રયુક્તિઓથી હલ કરતા અને હમેશા કઈક નવતર પ્રયોગ કરતા શિક્ષકો પોતાના વિચારો અન્ય શિક્ષકો સુધી પહોંચાડી શકે તે માટે જીસીઈઆરટી - ગાંધીનગર દ્રારા દર વર્ષે એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત મોરબી જિલ્લામાં તારીખ ૪-૧-૨૦૨૧ નાં રોજ આ વર્ષે કોરોના મહામારીને કારણે ઓનલાઈન ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકામાંથી સિલેક્ટ થયેલા શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન અને મૂલ્યાંકન ડાયેટ - રાજકોટ દ્રારા કરવામાં આવ્યુ હતુ. જેમાં મૂલ્યાંકન સમિતિ દ્રારા પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંકે માળીયા તાલુકાનાં શિક્ષક ગોધાણી બેચરભાઈ, દ્રિતિય ક્રમાંકે ટંકારાનાં શિક્ષક ડોડિયા નિશાંતભાઈ, તૃતીય ક્રમે મોરબીનાં વિજયભાઈ દલસાણિયા તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ટંકારાના વાટકીયા પ્રવિણચંદ્ર અને દ્રિતિય ક્રમે મોરબીના અમિતભાઈ તન્નાએ રજુ કરેલી કૃતિઓ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી છે.હવે આ પાંચ શિક્ષકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.