મોરબી: શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં મોરબી એલ.સી.બી.ના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે રેડ કરી રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા છ શખ્સોને રોકડા રૂપિયા સવા લાખ સાથે ઝડપી પાડયા છે. એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંચાસર રોડ, રાજનગર વિસ્તારમાં નિત્યાનંદપાર્કમાં રહેતા જગદીશ ચતુરભાઈ બાવરવાના રહેણાક મકાનમાં રેડ પાડી હતી. જ્યાં મકાનના પહેલાં માળે ઘરધણી સહિત છ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. ઉક્ત સ્થળેથી એલ.સી.બી.ને રોકડા રૂપિયા ૧.૨૫ લાખ પણ મળી આવતા ઘરધણી જગદીશ ચતુર બાવરવા (ઉં.વ.૩૮) રહે.રાજનગર નિત્યાનંદ પાર્ક, વિનોદ પ્રેમજી ઉનાળીયા (ઉં.વ. ૪૮) રહે.છાત્રાલય રોડ પુનીતનગર, મનોજ પરેશ અગોલા (ઉં.વ. ૩૫) રહે.શાંતિનગર પીપળી રોડ, વિનોદ ત્રિભોવન ભીમાણી (ઉં.વ. ૪૦) રહે.ખાનપર (કોયલી) તા.મોરબી, દુર્લભજી મોહન રૂપાલા (ઉં.વ. ૬૩) રહે.નાની વાવડી તા.મોરબી અને ચંદુ નરસી સંઘાણી (ઉં.વ. ૬૮) રહે.નાની વાવડી તા.મોરબીની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે.