મોરબીના બાળ સુરક્ષા એકમની સંવેદનશીલ કામગીરીથી બે સગા નાના ભાઈઓ અનાથ બનતા બચ્યા મોરબી (ઘનશ્યામ પેડવા, માહિતી નિયામક) : મોરબીના બાળ સુરક્ષા એકમના અધિકારીની ટીમે પરપ્રાંતિય બે નાના ભૂલકા અને સંબંધમાં સગાભાઈઓનું માતા-પિતા સાથે મિલન કરાવતા બે બાળકોને અનાથ થતાં બચ્યા હોવાનો સુખદ અંત વાળો એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. કોઇના વ્હાલસોયા બાળકો ખોવાઇ જાય કે વિખુટા પડે ત્યારે માતા-પિતા પર આભ ફાટી પડતું હોય છે. દુનિયાની સૌથી મોટી મુશ્કેલી તેમની પર આવી પડી હોવાનો અહેસાસ બાળકો ખોવાઈ જવાથી થાય છે. બાળકો કઇ હાલતમાં હશે? શું કરતાં હશે? ખાધુ હશે કે નહીં? ક્યાં છત મળી હશે કે નહીં? એમને કોણ સાચવતું હશે? આવા તો કેટલાય સવાલો માતા-પિતાના મનને ઘેરી વળે છે. મોરબીમાં બાળકો વિખુટા પડી જવાનો અને પરિવાર સાથે પુનઃમિલન થવાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી અધિકારીઓની સંવેદનશીલતા, માનવતા તેમજ ફરજનિષ્ઠા ઉજાગર થઈ હતી. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા લાખો પરપ્રાંતિયો મજૂરો આવે છે. આવું જ એક પરિવાર મજૂરી માટે મોરબીમાં આવ્યું હતું. સિરામીકના કારખાનામાં મજૂરી કરતાં આ પરિવારના બે નાની ઉંમરના પુત્રો એક દિવસ રમતા રમતાં ક્યાં દૂર નીકળી ગયા તેની પરિવારને ખબર ન રહી. ઘણી શોધખોળ કરી પરંતુ બાળકી મળ્યા નહીં. બીજી તરફ ૪-૫ વર્ષની ઉંમરના બન્ને બાળકો રમતા રમતા દૂર સુધી પહોંચી ગયા. એક પેટ્રોલ પંપ નજીક એકલા અટૂલા ફરતાં નાના ભૂલકાઓને જોઈ પેટ્રોલ પંપમાં કામ કરતાં એક વ્યક્તિએ સ્થાનિક પોલીસને જાણ કરી અને પોલીસે બાળકોને જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટિને પહોંચાડ્યા. એડોપ્શન એક્ટ અંતર્ગત ખોવાયેલ બાળકો અંગે અખબારોમાં જાહેરખબર આપી માતા-પિતાને શોધવા માટે અથાગ પ્રયાસો કર્યાં. મોરબીમાં આ બન્ને બાળકોને માતા-પિતા અને ઘર જેવી જ હૂંફ મળી રહે તે માટે સેલ્ટર હોમમાં રાખ્યા. જ્યાં આ બાળકોને ખાવા-પીવા, રહેવા સહિતની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન બાળકોનું યોગ્ય રીતે કાઉન્સેલીંગ થાય તે માટે કાઉન્સેલરની વ્યવસ્થા કરી. બાળકો ક્યાંના છે, તેમના નામ, માતા-પિતાના નામ, મૂળ ક્યાંના રહેવાસી છે, અહીં કયા વિસ્તારમાં રહે છે સહિતની વિગતો મેળવવા માટે ખૂબ પ્રયાસો હાથ ધર્યા. પરંતુ માતા-પિતાથી દૂર ખોવાઇ ગયાનો અહેસાસ થતાં બાળકો ડરી ગયા હતા અને કંઇ પણ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. જો કે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ ડી. શેરશિયા સહિતની ટીમ દ્વારા બાળકોનું સતત કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ ડી. શેરશિયા એ જણાવ્યું કે, શરૂઆતમાં તો આ બન્ને બાળકો પોતાનું નામ કે અન્ય કોઇ વિગતો બોલી શકતા ન હતા. પરંતુ બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રેમ અને લાગણીના વ્યવહારો બાદ વિશ્વાસમાં લઇને બાળકોને બોલતા કર્યા. અલબત્ત બાળકો ઝારખંડના હોવાથી પોતાની સ્થાનિક ભાષા જ બોલતા-જાણતા હતા. આથી ઝારખંડની સ્થાનિક ભાષા સમજી શકે તેવા દુભાષીયાની પણ મદદ લેવાઇ. મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમના સઘન અને સતત પ્રયાસથી બાળકના માતા-પિતા શોધવા માટે એક પછી એક કડીઓ મળવા લાગી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે પણ આ બાબતે અંગત રસ લઇને બાળકોને તેમના માતા-પિતા મળી જાય તે માટે અનેકવિધ પ્રયાસો કર્યા અને ટીમને માર્ગદર્શન આપ્યું અને એક પછી એક કડીઓ મળતી ગઇ. જ્યારે બાળકો જ્યાંથી મળી આવ્યા હતા ત્યાં ફરીથી તેઓને લઇ જવામાં આવ્યા. ત્યાં દુભાષીયાની મદદથી અનેક પ્રકારની પૂછપરછ કર્યાં બાદ માલુમ પડ્યું કે અહીં તેમના માતા-પિતા દૂરની એક સિરામીક કંપનીમાં મજૂરી કામ કરે છે. આ વાતને ધ્યાને લઇને અહીંની ફેક્ટરીઓમાં ઝારખંડના વતની હોય તેવા મજૂરોની તપાસ કરતાં બે સગા ભાઇઓના પિતાની ભાળ મળી અને તેના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યવાહી દરમિયાન છેલ્લા બે મહિના સુધી સતત મહેનત, દેખરેખ અને વિવિધ વિભાગો સાથે સંકલનની કામગીરી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના નેતૃત્વમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રિતેશકુમાર ગુપ્તા, કાઉન્સેલર ખ્યાતિબેન પટેલ, સામાજિક કાર્યકર રંજનબેન મકવાણા અને સંસ્થાના કર્મચારીના સઘન પ્રયાસથી બાળકોના માતા-પિતાને શોધી બંને બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બાળકોની તેમના પિતાને સોંપણી કરવામાં આવી હતી. આમ બાળકોના વાલીની શોધખોળની બે માસની લાંબી પ્રક્રિયાનો સુખદ અંત આવ્યો હતો. તમામ અધિકારીઓ-કર્મચારીઓએ અને ટીમે એક માનવતાનું કાર્ય કર્યાનો આત્મસંતોષ મેળવ્યો હતો.