ડમ્પર બાઇકને હડફેટે લીધા બાદ ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી અને બાઈકચાલક યુવાન સળગી ગયો મોરબી : મોરબીના લાલપર ગામ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરે બાઈકને હડફેટે લીધા બાદ બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે ડમ્પરે બાઈકને હડફેટે લઈને ડિવાઈડર સાથે અથડાતા ડમ્પરમાં આગ લાગી હતી. તેથી, બાઈકચાલક યુવાન સળગી જવાથી તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કર્ણાટકનો વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહીને સીરામીક કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો તિરુમલા મહાદેવ દેવડીગા (ઉ.વ. 24) નામનો યુવાન ગતરાત્રે પોતાના જી.જે.36 એમ 3250 નંબરના બાઈક લઈને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કોઈ કામસર પસાર થઈ રહ્યો હતો. ત્યારે લાલપર ગામ નજીક ભારત બેંઝનો ટ્રક ડમ્પર નંબર જી.જે.ટી 5754 નો ચાલકે પોતાના હવાળા વાળા ડમ્પરને પુરપાટે ચાલવી બાઈકને હડફેટે લેતા યુવાને ડમ્પર નીચે કચડાયો હતો. અકસ્માત બાદ ડમ્પર બાઈક સાથે ઢસડાઈને ડિવાઈડર સાથે અથડાતા ડમ્પરમાં આગ લાગી હતી. આથી, સળગી જવાથી દાઝી જતા બાઈકચાલક તિરુમલા મહાદેવ દેવડીગાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મનસુખભાઇ જેરામભાઈ બોપલીયા (રહે મોરબી કન્યા છાત્રાલય રોડ, સરદારનગર-2) એ ડમ્પરચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.