સદનસીબે જાનહાની ટળી પણ ઘરવખરીને મોટું નુકસાન વાંકાનેર : વાંકાનેરના જુના પાંચદ્વારકા ગામે એક રહેણાંક મકાનમાં ઓચિંતા ગેસનો બાટલો ફાટ્યો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી પણ ગેસનો બાટલો ફાટવાથી ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત ઘરવખરીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામે રહેતા બાદી સોયબ અબ્દુલ રહીમભાઈના ઘરે મંગળવારે સાંજના સમયે મહિલાએ રસોડામાં ગેસ પર દાળ મૂકી હતી. આ મહિલા રસોડાની બહાર ઘરમાં અન્ય જગ્યાએ કામ કરતી હતી ત્યારે રસોડામાં ગેસનો બાટલો ઓચિંતા ધકડાભેર ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા જ આગ ભડકી ઉઠી હતી. આ બનાવને પગલે થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. જો કે મહિલા રસોડામાં ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. રસોડામાં આગ લાગતા નુકસાન થયું હતું. બાદમાં આસપાસના લોકોએ દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં રસોડાના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, છતનું પ્લાસ્ટર, ફ્લોરિગ સહિતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.