12 જાન્યુ.થી 23 જાન્યુ. સુધી દરેક તાલુકામાં કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરાશે મોરબી : તા. 3/12/2021 ના રોજ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ-મોરબી જિલ્લાની કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાના જવાબદાર વ્યક્તિઓમાં અઘ્યક્ષ દિનેશભાઇ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને કિરીટભાઈ દેકાવાડીયા, સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ગોપાણી, સહ કોષાધ્યક્ષ અમિતભાઇ ખાંભરા, પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા, સહ સંગઠન મંત્રી-ટંકારા ચેતનભાઈ ભાલોડિયા તથા જીલ્લા ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. થોડા સમય અગાઉ જ રાજ્ય સંગઠનના પ્રયાસથી 65000 જેટલા શિક્ષકોને સ્પર્શતો પ્રશ્ન 4200 ગ્રેડ પેના નિરાકરણ લાવવા બદલ રાજ્યની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમને અભિનંદન આપતો પ્રસ્તાવ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા તરફથી મુકવામાં આવ્યો હતો. જેને સર્વ જિલ્લા ટીમના સદસ્યો દ્વારા ટેકો આપી વધાવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોરબી જિલ્લાના શિક્ષકોને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જૂની પેન્શન યોજના, SPL રજા, આગામી ચૂંટણીમા B.L.O ને પ્રીસાઈડિંગ તરીકે ન મુકવા જેવા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ 4200 ગ્રેડ પેની કામગીરી સત્વરે કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માત્ર શિક્ષકોના પ્રશ્નની જ રજુઆત કે નિરાકરણ ન કરતા સંગઠનના ધ્યેયસુત્ર મુજબ સમાજ હિતના કાર્યો પણ થાય એ ઉમદા હેતુથી આગામી સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ અને રાષ્ટ્રના બે મહાન વ્યક્તિઓની જન્મજયંતીના સમયગાળામાં કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી 12 જાન્યુઆરીથી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી 23 જાન્યુઆરી સુધીમાં મોરબી જિલ્લાના દરેક તાલુકામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.