ત્રણ શખ્સોએ હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના ચાંચપર ગામે સીમમાં ઘેટાં-બકરા ચરાવવા મુદ્દે માલધારીઓ વચ્ચે જામી પડી હતી. જેમાં કચ્છના માલધારી ઉપર સ્થાનિક માલધારીઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મુદ્દે કચ્છના માલધારીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારમારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના ચાચાપર ગામની સીમ નેસડાના રસ્તે રહેતા મૂળ ભચાઉ-કચ્છના વતની માલધારી ઘોઘાભાઈ હરભમભાઈ લુણી (ઉ.વ. ૫૦)એ આરોપીઓ ચાચાપરના રણછોડભાઈ રબારી તથા તેની સાથેના બે રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨ના રોજ બપોરના બારેક વાગ્યા વખતે ચાચાપર ગામની સીમ નેસડા રોડ ઉપર આરોપીઓએ ફરીયાદીને કહેલ કે 'તું કચ્છમાંથી ઘેટા-બકરા લઈ અમારા ગામની સીમમા શુ કામ ચારવા આવો છો' તેમ કહી ગાળો આપી આરોપીઓએ લાકડી વડે ફરીયાદીને ડાબા હાથમા મારી ફેક્ચર કરી ફરીયાદીને છોડાવવા સાહેદ વચ્ચે પડતા આરોપીઓએ તેઓને પણ મુંઢ માર મર્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.