મોરબી : રોજગારી કે આમદની કે પગાર મહત્વનો હોય છે ખરો. જીવન ચલાવવા અને પરિવારનું પાલન-પોષણ કરવા માટે નાણાંની જરૂરિયાત તો કાયમ રહેવાની જ. પરંતુ જે સંસ્થા કે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા હોઇએ, જીવનના મોટાભાગના વર્ષો અને સમય ત્યાં વિતાવ્યો હોય એ સંસ્થા માટે નિવૃત્તિ બાદ પણ કંઇક યાદગાર કરી જવાની ઇચ્છા થાય અને તે રીતે સમાજને પણ કંઇક પ્રદાન કરી શકાય તેવી ભાવના મોરબીના લખધીરગઢના શિક્ષકે જીવનમાં વણી રાખી હતી અને પોતાના નિવૃત્તિ વિદાય સમારોહ સમયે શાળાને પોતાના ગર્ચ હીંચકાની ભેટ આપી સમાજપ્રેરક કામ કર્યું હતું. મોરબી તાલુકાના લખધીરનગર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ગત 31મી ડિસેમ્બરના રોજ વય મર્યાદાને પગલે નિવૃત્ત થયા હતા. જો કે નિવૃત્તિના દિવસને યાદગાર બનાવતા શિક્ષકે શાળાના બાળકોને રૂ. 20 હજારના ખર્ચે હીંચકા ભેટ આપ્યા હતા. મોરબીની લખધીરનગર ગામની શાળામાં ફરજ બજાવતા જીવરાજભાઈ કાવર તાજેતરમાં વય મર્યાદાને પગલે ગત 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. શાળામાં વર્ષોથી ફરજ બજાવવાને કારણે શાળા સાથેનો નાતો અતૂટ બની ગયો હતો. જેથી, શાળા સાથેની પોતાની યાદગારી જાળવી શકાય તે માટે શાળાને અનોખી ભેટ આપવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે રૂ. 20,000ના ખર્ચે શાળામાં હીંચકા મુકાવ્યા હતા. બીજી તરફ શાળા પરિવાર દ્વારા પણ શિક્ષકનો વિદાય સમારંભ યોજી માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.