મોરબીની ટીમ રનર અપ જાહેર, સંતોની હાજરીમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરાયું મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં વરીયા પ્રજાપતિ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં થાનની ટીમ વિજેતા ઘોષિત થઇ છે. જયારે મોરબીની ટીમ રનર અપ જાહેર થઇ છે. ત્યારે સંતોની હાજરીમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે. સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા હડમતીયા સેવાયજ્ઞના લાભાર્થે મકનસર ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વરીયા પ્રજાપતિ સમાજના યુવકોમાં એકતાની ભાવના કેળવાય તથા સમાજના યુવકો રમતગમત ક્ષેત્રે આગળ આવે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચો મકનસર ગામના જુદા-જુદા ચાર મેદાનોમાં રમાઈ હતી. ટુર્નામેન્ટમાં મોરબી, વાંકાનેર, રાજકોટ, થાન, મકનસર સહિતના ગામના વરીયા પ્રજાપતિ યુવાનોની 20 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી વરિયા ઇલેવન થાનની ટીમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમજ બજરંગ ઇલેવન મોરબીની ટીમ રનર અપ એટલે કે બીજા સ્થાને વિજેતા બની હતી. જેને અનુલક્ષીને સંત મેહુલદાસ બાપુ, જયરાજનાથ તેમજ મોરબી પ્રજાપતિ સમાજના આગેવાનો ગોકળભાઇ ભોરણીયા, રાજકોટથી ચતુરભાઈ વાગનેશિયા, શનાળાથી ઈશ્વરભાઈ નારણીયા, મકનસરથી ગોકળભાઇ નારણીયા અને કિરીટભાઈ બોપલીયા, થાનથી વાસુદેવભાઈ અંદોદરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને ખેલાડીઓને બિરદાવ્યા હતા. તેમજ વિજેતા ટીમને ટ્રોફી અને શિલ્ડ અર્પણ કરવામાં આવા હતા. અને ટુર્નામેન્ટના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.