મોરબી : રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા કેનાલ રોડ સ્થિત સરદાર પટેલ માર્ગ પર ગટરના ગંદા પાણીને વ્યવસ્થિત રીતે કેનાલમાં ઠાલવવાની વરવી તસ્વીર સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ખેડૂતોના હિતાર્થે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી કેનાલનો ઉપયોગ ગટરના ગંદા પાણી ઠાલવવામાં કરવામાં આવતો હોવાની ભયજનક તસ્વીર સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. રવાપર નજીક આવેલા એસ.પી. રોડ પરથી પસાર થતી કેનાલમાં ઇરાદાપૂર્વક, આયોજનપૂર્વક અને વ્યવસ્થિત રીતે ગટરના પાણીના કેનાલમાં કરવામાં આવતા નિકાલની વરવી તસ્વીર સામે આવી છે. કેનાલમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી છોડવાની પરવાનગી કોણે અને કોને આપી એ સવાલનો જવાબ શોધવા તંત્રને સ્થળ પર જવું હિતાવહ લાગતું ન હોય એમ આ દિશામાં લાંબા સમયથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારની ગટરનું પાણી ભયજનક રીતે કેનાલમાં ઠલવાતું હોવાની હકીકતને તંત્ર હાલ તો હળવાશથી લઈ રહ્યું હોય એમ જણાઈ રહ્યું છે.