ટંકારા : હાલમાં શિયાળા દરમિયાન પડતી કડકડતી ઠંડીમાં અબોલ જીવોના પેટની જઠરાગ્નિ ઠારવા માટે અનેક લોકો કાર્યરત હોય છે. ત્યારે ટંકારા તાલુકાના ટોળ ગામે ન્યુ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અબોલ જીવોને રોટલાં ખવડાવવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. હાલ શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે જનજીવન પર અસર પડી છે. આથી, લોકો ઠંડીથી બચવા માટે ગરમ કહી શકાય એવા શાકભાજી, અડદિયા, સાની-ચિકી જેવો ખોરાક આરોગીને આરોગ્યવર્ધક શક્તિ મેળવી લે છે. આ રીતે અબોલ જીવોને પણ ઠંડી સામે રક્ષણ મળે તે માટે તેમના પેટની જઠરાગ્નિ ઠારવી આવશ્યક હોય છે. ત્યારે ટંકારાના ટોળ ગામના યુવાનો પ્રેરીત ન્યુ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરો છેલ્લા બે માસથી અબોલ જીવો માટે એક મણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. તેમજ જ્યાં પશુઓ વસવાટ કરતા હોય ત્યાં સ્થાનિકોને ટીફીન માફક હોમ ડિલીવરી કરવામાં આવે છે. આમ, હાજા ગગડાવતી ઠંડી સામે રાહત મળે એવુ ઉમદા કાર્ય કરી ન્યુ ઇન્ડિયા ગ્રુપે સમાજમાં જીવદયાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.