ગુજરાતના ઔદ્યોગિક એકમોને વેગ આપવા એફઆઇએ દ્વારા ચિંતન બેઠક યોજાઇ : ઉદ્યોગોના વિકાસ માટે ત્રણ એમઓયુ સાઇન કરાયા મોરબી : દેશના ઔદ્યોગિક ગ્રોથ એન્જિનમાં ગુજરાત રાજ્ય ટોચનું સ્થાન ધરાવે છે. ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 200 જેટલા ઉદ્યોગકારોની એક ચિંતન શિબિર યોજાઇ હતી. બેઠકમાં તમામ ઉદ્યોગકારોએ ગુજરાતના ઔદ્યોગિક એકમોએ વર્ષ 2030 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને લઇ જવા નેમ લીધી હતી. કારણ કે દેશનો જીડીપી 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર લઇ જવું હશે તો ગુજરાતના ઉદ્યોગોએ મહત્વનો રોલ ભજવવો પડશે. વિકાસની ટ્રેન ઉદ્યોગકારો ઝડપી લો, નહિં તો લોકલ ટ્રેન પણ નહિં મળે તેવું સફળ ઉદ્યોગકાર સવજીભાઇ ધોળકિયાએ બેઠકમાં ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, રિજનલ ચેમ્બરના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં લોકડાઉનમાં પણ વિદેશી કંપનીઓએ રૂ. 1.30 લાખ કરોડથી વધુ રોકાણ કરવા થનગની રહ્યાં છે. સિરામીક, ફાર્મા, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ટુરિઝમ તથા કેમિકલ્સ સેક્ટર વધુને વધુ આગળ આવે તે જરૂરી છે : વરમોરા ગ્રુપના પ્રકાશ વરમોરા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએના પ્રમુખ પ્રકાશ વરમોરાએ જણાવ્યું કે ગુજરાતના ઉદ્યોગોના વિકાસ થકી જ આ શક્ય બનશે. ગુજરાતના સિરામીક, ફાર્મા, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ટુરિઝમ તથા કેમિકલ્સ સેક્ટર વધુને વધુ આગળ આવે અને નિકાસલક્ષી બને તે જરૂરી છે. ગુજરાતમાં અંદાજે 4.5 લાખથી વધુ નાના-મધ્યમ અને મોટી કક્ષાના એકમો આવેલા છે. ગુજરાતના જીડીપીમાં ઔદ્યોગિક સેક્ટરનું યોગદાન 44 ટકાથી વધુ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એફઆઇએ દ્વારા ચિંતન બેઠકમાં યસ બેન્ક સાથે ગુજરાતભરમાં એમએસએમઇ લોન માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ કંપની સાથે ગુજરાતભરમાં 25,000 હેક્ટરમાં આધુનિક સુવિધા સાથે સ્માર્ટ એસ્ટેટ સ્થાપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. એમએસએમઇ એ ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસ દ્વારા જ દેશ-રાજ્યના વિકાસનો આધાર છે. ગુજરાતના એમએસએમઇએ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ઔદ્યોગિક પોલિસી, સોલાર પોલિસી, આઇટી-આઇટીએસ પોલિસી વેપારને વેગ આપશે.