મોરબી: દેશમાં ગુજરાતની છબી ડ્રાઈ સ્ટેટના સિમ્બોલ સાથે ઉપસાવવામાં આવે છે. ત્યારે રાજ્યમાં રહેતા દરેક નાગરિકને ગુજરાતની દારૂબંધી હવે માત્ર સરકારી કાગળો પર જ સીમિત હોવાની ગળા સુધી ખાત્રી છે. નાના ગામડાઓથી લઈને નગર પાલિકા વિસ્તાર અને મહાનગર પાલિકા વિસ્તારમાં કોઈપણ સ્થળે, કોઈપણ સમયે માંગો એટલો દેશી-વિદેશી દારૂ મળી રહેતો હોવાની હકીકત સર્વવિદિત છે. મોરબી શહેર પણ ઉપરોક્ત હકીકતથી બાકાત નથી એની પ્રતીતિ કરાવતો એક વિડીઓ સામે આવ્યો છે. મોરબીના સામા કાંઠે, નટરાજ ફાટકની બાજુમાં, જી.ઇ.બી.જવાના રસ્તા પર તોલ-માપ ખાતાની જૂની કચેરી પાછળ રાત્રે તો ખરું જ પરંતુ દિવસ દરમ્યાન પણ દેશી દારૂના છુપા હાટડાઓ ધમધમતા હોય એવા પુરાવા સામે આવ્યા છે. આ કચેરી પાછળની દીવાલે ઠેર ઠેર દેશી દારૂની ખાલી કોથળીઓ આ વાતની સાક્ષી પૂરે છે. આજે સવારે એક પ્યાસી શખ્સ દારૂના નશામાં ચૂર થઈ ખુલ્લામાં લઘુશંકા કરાતી હોય એવા સ્થળે ઊંધે માથે આળોટતો નજરે પડ્યો હતો. કોઈ જાગૃત નાગરિકે આ બનાવનો વિડીઓ બનાવી ફરતો કરતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગામ કે શહેરની ભાગોળે અવાવરું સ્થળે ધમધમતા દેશી દારૂના હાટડા હવે શહેરની મધ્યમાં પણ ધમધમવા લાગતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત કરે છે. એક દારૂડિયાને દારૂ ક્યાં મળી રહે છે એની જાણકારી હોય તો આ બદી દૂર કરવાની જેમની જવાબદારી છે એવા પોલીસકર્મીઓને આવા સ્થળો વિશે જાણકારી ન હોય એવું માનવું જરા વધારે પડતું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નાના મોટા ઝઘડાઓ અને છેડતી, લૂંટફાટ, મારામારી, હત્યા, મહિલા ઉત્પીડન, ઘરેલું હિંસા જેવા બનાવોમાં મોટાભાગે દારૂનું દુષણ જ જવાબદાર હોવાનું જગજાહેર છે ત્યારે મોટાભાગના ગુન્હાઓને રોકવા માટે દારૂનું દુષણ નેસ્તનાબૂત કરવું આવશ્યક છે. પોલીસ આ બદી નાબૂદ કરવાનું સામર્થ્ય ધરાવે છે પણ ફરજનિષ્ઠા ક્યાં કારણોસર ચુકી જાય છે એ વણઉકેલ કોયડો છે. https://www.youtube.com/watch?v=2mvAHisRBVM&feature=youtu.be