મોરબી : મોરબીના જાંબુડીયા ગામે વેપારીને એક શખ્સે ધંધાના પૈસાની લેતીદેતી મામલે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કર્યાનો મામલો સામે આવ્યો છે.આ બનાવ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસીટીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા અને વેપાર ધંધો કરતા નરેશભાઇ ભરતભાઇ ગોહેલ (ઉ.વ.૨૪) એ આરોપી જીલુભાઇ ચનીયારા (રહે. ડ્રીમ પેલેસ, રવાપર રોડ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧ ના રોજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓવરબ્રિજ નીચે સોબર સિરામીકની સામે રોડ ઉપર ફરીયાદીને આરોપી સાથે ધંધાના પૈસાની લેતીદેતી બાબતે ફરીયાદીને આરોપીએ ગાળો બોલી જાતિ પ્રત્યે અપમાનીત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે એટ્રોસીટી એકટ કલમ હેઠળ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક એસ.સી.એસ.ટી સેલના એમ.આઇ પઠાણ ચલાવી રહ્યા છે.