'નયનને બંધ રાખી' જેવી અનેક લોકપ્રિય ગઝલના રચિયતા બરકતઅલી વિરાણીની આજે પુણ્યતિથિ : માણો... 'બેફામ'એ લખેલી પ્રખ્યાત ગઝલોના અંશોને... મોરબી : બરકતઅલી ગુલામહુસેન વિરાણી ઉર્ફે 'બેફામ' ગુજરાતી સાહિત્યના ખૂબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. બરકતઅલી વિરાણીનો જન્મ 25 નવેમ્બર, 1923ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને 14 વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ 1945માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. 1952માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. 2 જાન્યુઆરી, 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. બરકતઅલી વિરાણીનો સાહિત્યમાં ફાળો તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (1949)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (1963), કુળવધુ (1997), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા. તેઓએ માનસર (1960), ઘટા (1970), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા. ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા. આગ અને અજવાળા (1956) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ 1-2 (1966) તેમની નવલકથા છે. 'બેફામ'એ લખેલી ગઝલોના અંશો ‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે. થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે? રોજ લંબાયા કરે ને લાજ પણ રાખ્યા કરે, ભરસભામાં દ્રૌપદીનાં ચીર જેવું છે જીવન. ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે? કે હવે તો હસ્તરેખામાં ય ચીરા થઈ ગયા. તમે સૌ માત્ર એને ઝાંઝવાનાં નીર ના સમજો, કે જેને પી ગયું છે રણ એ એક એવો સમંદર છે. એ તો શું, એની મદદ પણ ક્યાંય દેખાશે નહીં, એટલું માનો પછી સર્વત્ર ઈશ્વર લાગશે. ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી! એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં, તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં. મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. ‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે, મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.