મોરબી : વિકસતા જતા મોરબીના માર્ગો હાલ વધતા જતા ટ્રાફિક ભારણને કારણે સાંકડા થઈ ગયા હોવાનો અનુભવ વાહનચાલકો કરી રહ્યા છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીઝએ શહેરના બે માર્ગોનું નવીનીકરણ કરવા માટે પાલિકા તંત્રને રજુઆત કરી છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે કે, કુબેર સીનેમાથી પીકનીક પોઇન્ટ તથા શોભેશ્વર મહાદેવના મંદિર સુધી જતો રસ્તો હાલ સિંગલ પટ્ટીનો છે જે પહોળો કરવામાં આવે. વર્તમાન સમયમાં આ રોડ પરનો ડામર ઉખડી ગયો છે. ઉક્ત રોડ પરથી શોભેશ્વર મંદિરે જતા ભાવિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન આ માર્ગ પર ભાવિકોનો ભારે ધસારો રહે છે. આ જ માર્ગ પર પીકનીક પોઇન્ટ પણ આવેલો છે. વધી ગયેલા ટ્રાફિકને લઈને આ માર્ગ અત્યારે સંકળાશ અનુભવે છે. ત્યારે આ માર્ગને ડબલ ટ્રેકનો બનાવવા મોરબી ચેમ્બરે રજુઆતમાં જણાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મોરબીના રાજવી લખધીરસિંહએ શોભેશ્વર મંદિરનું નિર્માણ કરાવેલું. ગરમીના દિવસોમાં એ સ્થળે હવાફેર કરવા માટે એક બંગલો પણ બનાવવામાં આવેલ. જો કે, હાલ આ બંગલામાં રાજ્ય સરકારના પશુપાલન ખાતા દ્વારા ઘેંટા ઉછેર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. શોભેશ્વર મંદિરનું ધાર્મિક મહત્વ જોતા આ માર્ગને પહોળો કરવામાં આવે તો ઉક્ત સ્થળનો ધાર્મિક વિકાસ શક્ય બને તેમ રજુઆતના અંતમાં જણાવવામાં આવ્યું છે.