મોરબી : મોરબીમાં વોલ ક્લોકથી બિઝનેસ શરૂ કરનાર વિશ્વ વિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ આજે ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રીકલ્સ, લાઇટિંગ, કિચન એપલાયન્સીસ જેવી અનેક પ્રોડક્ટમાં સફળતાના શિખરો સર કરી રહી છે. જયસુખભાઇની દીર્ઘદ્રષ્ટિ આજે ઇન્ટરનેશનલ બ્રાન્ડોને હરીફાઇમાં ટક્કર આપી રહી છે. ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા અનુસાર ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના ડિરેક્ટર મિસ. એલિશબેન પટેલને ગત તા. 30 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય તરફથી ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે 'આત્મનિર્ભર ભારત'નો એવૉર્ડ અર્પણ કરવામાં આવેલ છે. જે મોરબી માટે ગર્વની વાત છે. ઉલ્લેખનીય છે કે અજંતા-ઓરેવા ગ્રૂપ સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી પૂરું પડતું ગ્રુપ છે અને વધુને વધુ રોજગારી આપવી એ હમેંશા અજંતા-ઓરેવા ગ્રુપનો ઉદેશ છે. વળી સ્ત્રી સશક્તિકરણમાં પણ આ બિઝનેશ ગ્રુપ દેશનું એકમાત્ર એવું સમૂહ છે જે 90 ટકા મહિલા કર્મચારીઓને કામ આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનાવવા માટેનો જે મંત્ર આપ્યો હતો, તે મંત્ર મોરબીના સાહસિકો માટે એક પ્રકારની સંજીવની બની ગયો છે. વિદેશી કંપનીઓને હંફાવવાની તાકાત મોરબીમાં છે, જે મોરબીના ઉદ્યોગપતિ સિદ્ધ કરી બતાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.