આગામી માર્ચ સુધીની જ મુદત હોવા છતાં હજુ ચારમાંથી ત્રણ બ્રિજનું ધીમી ગતિએ ચાલતું કામ : બંને બાજુએ સિંગલ પટ્ટીના જ સર્વિસ રોડ બનાવતા ટ્રાફિકજામની કાયમી હાડમારી મોરબી : મોરબી-રાજકોટ હાઇવેને ફોનલેન કરવાની વર્ષ 2016માં રાજ્યકક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન જાહેરાત કરવામાં આવી હતી. આ રૂ. 275 કરોડના પ્રોજેકટ કામની નવેમ્બર 2018માં શરૂઆત કરાઈ હતી. હાલ મોરબીથી રાજકોટ વચ્ચેના કંડલા બાયપાસ સુધીના રસ્તા ઉપર ફોરલેન અને એની ચાર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. પણ કામગીરી ધીમી ગતીએ થતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. મોરબી-રાજકોટ વચ્ચે મિતાણા, ટંકારા, શનાળા બાયપાસ અને મચ્છુ 3 પાસે એમ ચાર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એમાં હાલ ત્રણ બ્રિજનું કામ એકદમ ધીમી ગતીએ થઈ રહ્યું છે. જ્યારે એક બ્રિજનું કામ જ હજુ સુધી ચાલુ જ થયું નથી. જેમાં પાયાનું ખોદકામ જ કરવામાં આવ્યું છે. બાકીના ત્રણ બ્રિજનું કામ એકદમ ગાડાની માફક ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી વાહનચાલકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. જેમાં ટંકારા, મિતાણા, શનાળા બાયપાસ પાસે બ્રિજનું ધીમી ગતીએ કામ થતા અકસ્માતના બનાવો પણ બને છે. તેમજ અવારનવાર ટ્રાફિક જામ સર્જાઈ છે. કારણ કે બન્ને બાજુએ સિંગલ પટ્ટીનો સર્વિસ રોડ બનાવતાં ટ્રાફિક જામની કાયમ હાડમારી રહે છે. જ્યારે ટંકારા અને મિતાણા પાસે અત્યાર સુધીમાં ઘણા અકસ્માતો થયા છે. આ કામની મુદત આગામી માર્ચ 2021 સુધીની છે. જ્યારે ચોથો બ્રિજ મચ્છુ નદી ખાલી થાય ત્યારે જ બનાવી શકાય એમ છે. હાલ શિયાળો ચાલુ હોય પણ મચ્છુ નદી ખાલી થઈ નથી. જો ઉનાળામાં ખાલી થાય તો જ આ કામ થઈ શકે એમ છે. નહિતર ફરી પાછું ચોમાસુ આવી જશે. એટલે આ કામ માર્ચ મહિના સુધીમાં પૂરું થશે કે કેમ તે મોટો સવાલ છે.