મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પીજીવીસીએલનો એક થાંભલો મૂળમાંથી તૂટીને નમી જતા જીવંત વાયર નીચે નમી ગયા છે. કોઈપણ સમયે ગંભીર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો હોવા છતાં ત્રણ ત્રણ દિવસ બાદ પણ ઉક્ત થાંભલાને વ્યવસ્થિત રીપેર કરવામાં આવ્યો ન હોવાથી સ્થાનિકોમાં ભય મિશ્રિત રોષનો માહોલ છે. મોરબી સામા કાંઠે ભડીયાદ રોડ પર કોમર્સ કોલેજની દીવાલ પાસે જ છેલ્લા 3 દિવસથી એક થાંભલો નીચેની સાઈડથી તૂટીને નમી જતા તેના જીવંત વીજ વાયર લોકોના જીવન પર મોતનો ખતરો બની લટકી રહ્યા છે. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, પશુઓ માટે તૂટીને નમી ગયેલો આ થાંભલો સાક્ષાત યમદૂત બની ઉભો હોવા છતાં તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ન કરાતા લોકોમાં ભય મિશ્રિત રોષની લાગણી જન્મી છે.