કડકડતી ટાઢથી બચવા લોકો તાપણાંના સહારે, અડદિયા-ચીકી-જીંજરાની ડિમાન્ડ વધી મોરબી : મોરબી જિલ્લામાં કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. હાડ થીજવતી ટાઢમાં ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું છે. એકંદરે કડકડતી ટાઢથી જનજીવન ઠીંગરાઈ ગયું છે. ઠંડી એટલી પડી રહી છે કે જે તકડો આકરો લાગતો હતો. તે તકડો હવે મીઠો લાગવા માંડ્યો છે. ટાઢ ઉડાવવા માટે કાઠિયાવાડી પરંપરા મુજબ ઠેર-ઠેર તપાણા ધમધમે છે. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ રીતસરનો બોકાસો બોલાવી દીધો છે. પરિણામે કડકડતી ટાઢથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાત પડે ને બજારો સુમસામ બની જાય છે. કોલ્ડવેવ કરફ્યુ લદાયો હોય તેવો માહોલ જોવા મળે છે. ગાત્રો થીજાવતી ટાઢે લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર કરી દીધા છે. આથી, ગરમ વસ્ત્રોની બજારમાં પણ તડાકો પડ્યો છે. જાતજાતના ગરમ સ્વેટર, ગરમ જાકિટ, મફલર, ટોપી સહિતના ગરમ વસ્ત્રોની ડિમાન્ડ વધી ગઈ છે. જો કે શિયાળો આરોગ્યના સર્વધન માટે શ્રેષ્ઠ ગણાય છે. આહાર અને ખાન-પાનમાં ગરમ વસ્તુઓની મોજ પડી જતી હોય છે. આથી અડદિયા, ગુંદર પાક, વિવિધ જાતની ચીકીઓ, જીંજરા, મીઠા બોર, વિવિધ જાતના ફળો સહિતની ખાદ્યવસ્તુઓની ડિમાન્ડ વધી છે. તેમજ આરોગને લઈને જાગૃત લોકો નિયમિત વ્યાયામ કરીને શરીર ચુસ્ત બનાવી રહ્યા છે.