નશીલા પદાર્થોનું વેચાણ બંધ ના કરાવાય તો મહિલાની આત્મ વિલોપન કરવાની ચીમકી મોરબી : મોરબીમાં વિધાનસભાની પેટા ચૂંટણી પુરી થયા બાદ નશીલા દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. નશાયુક્ત પદાર્થો જેવા કે ચરસ બ્રાઉન સુગર, ગાંજો, દારૂના છડેચોક વેચાણથી યુવાધન બરબાદ થઈ ગયું છે. જેમાં એક મહિલાનો પુત્ર આ નશીલા દ્રવ્યોનું સેવન કરીને બરબાદ થઈ ગયો હોય અને ઘરમાં મારઝૂડ તથા પાગલ જેવી હરકતો કરતો હોવાથી તેમણે આ મામલે રાજ્યના ડીજીપીને પત્ર લખી મોરબીમાં નશીલા દ્રવ્યોનું વેચાણ જ બંધ કરી દેવાની અરજ કરી છે. મોરબીના શનાળા રોડ પર ગુ.હ. બોર્ડ, પેટ્રોલ પંપવાળી શેરી, એ. કે. પટેલ હોલ સામે રહેતા પ્રભાબેન નાગજીભાઈ જાદવે રાજયના ડીજીપી અને ગૃહમંત્રીને રજુઆત કરી હતી કે નશીલા દ્રવ્યોના દુષણને કારણે તેમનો પુત્ર બેફામ બની ગયો છે. તેમનો પુત્ર ગાંજો, બ્રાઉન સુગર, દારૂ જેવા નશકારક પદાર્થનું સેવન કરીને ઘરમાં મારકૂટ તેમજ તોડફોડ કરે છે. આથી, આવા નશાયુક્ત દ્રવ્યોના ખુલ્લેઆમ વેચાણમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. ખાસ કરીને નશીલા દ્રવ્યોની માયાજાળમાં યુવાધન સહેલાયથી સપડાઈ છે. આ યુવાધન પોતે તો નશાની આદતથી બરબાદ થાય જ છે. સાથેસાથે પરિવારને પણ બરબાદ કરી નાખે છે. આવા યુવાનોના માતાપિતા સમાજમાં આબરૂ જવાની બીકે ફરિયાદ કરવા આગળ આવતા નથી. પણ મહિલાએ હિંમત કરીને પુત્રની ફરિયાદ સ્થાનિક પોલીસને કરી હતી. પણ પોલીસે કડક કાર્યવાહી કરીને માત્ર સલાહ સુચન આપીને ચાલતી પકડી હતી. જો આવી ગંભીર બાબતમાં તેમના પુત્રની સાથે આવા હાનિકારક દ્રવ્યો વેંચતા તમામ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક પોલીસ નક્કર કાર્યવાહી કરતી ન હોવાથી અંતે તેમણે રાજ્યના ડીજીપીને રજુઆત કરી મોરબીમાં નશીલા દ્રવ્યોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અન્યથા આત્મ વિલોપન કરવાની આ મહિલાએ ચીમકી આપી છે.