શિક્ષકની દાહોદ ખાતે બદલી થયા બાદ રેઢા પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હળવદ : હળવદ પંથકમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ નજીક આવેલ શિક્ષકના બંધ હાલતમાં રહેલા મકાનમાંથી તસ્કરો રૂ. 31 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. શિક્ષકની દાહોદ ખાતે બદલી થયા બાદ રેઢા પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હળવદ પંથકમાં ઠંડી વધવાની સાથે તસ્કરોનો તરખાટ પણ જાણે બેકાબુ બન્યો હોય તેમ હમણાંથી ચોરીનો એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. હળવદ પંથકમાં વધુ એક ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સુનિલનગર સોસાયટીમાં રહેતા શિક્ષક જીજ્ઞેશભાઈ હરજીવનભાઈ વાઢેરની દાહોદ ખાતે બદલી થઈ ગઈ છે. આથી, તેમનું હળવદમાં આવેલું મકાન બંધ હાલતમાં છે. તેથી, તસ્કરોએ શિક્ષકના આ બંધ મકાનમાં ખાતર પાડ્યું હતું. તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલા રૂ. 25 હજાર રોકડા તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ. 31 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.