જીવદયાપ્રેમીઓમાં આક્રોશ, અસામાજિક તત્વો સામે પગલાં લેવા માંગ હળવદ : હળવદ તાલુકાના નવા ધનાળા ગામમાં પાંચ આખલાઓના ઝેરી અસરથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જો કે હજુ કઈ રીતે આખલાઓના મોત થયા એ નક્કી થયું નથી. પરંતુ કોઈએ ગૌવંશને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. નવા ધનાળા (કૃષ્ણનગર)માં એકસાથે પાંચ બળદના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અજાણ્યા શખ્સોએ આખલાઓને ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરી હોવાની આશંકા ગામલોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હળવદ પંથકમાં અવારનવાર અબોલ જીવોને જાણી જોઈને હાનિ પહોંચાડવાને કે ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આથી, આ ઘટના સામે આવતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ નિર્દોષ અબોલ જીવો પર થતા અત્યાચાર અટકે તે માટે જવાબદાર તંત્ર તાકીદે અસામાજિક તત્વો સામે પગલાં લે તેવી માંગ ઉઠી છે.