છેડતીથી ડઘાઈ ગયેલી બાળાએ દેકારો કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા, લોકોએ લંપટ યુવાનને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો : પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હળવદ : હળવદના એક વિસ્તારમાં એકલી રહેલી 11 વર્ષની બાળાની એકલતાનો લાભ લઈને એક શખ્સ તેના ઘરમાં ઘૂસ્યો હતો અને બાળકીનું બાવડું પકડીને છેડતી કરતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી આસપાસના લોકોએ દોડી આવીને એ શખ્સની સારી પેઠે ધોલાઈ કરી તેને પોલીસને હવાલે કરી દીધો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના એક વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારની 11 વર્ષની દીકરી ઘરે એકલી હતી. જેમાં તેના માતાપિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. આથી એકલી રહેલી 11 વર્ષની બાળા ઉપર નજર બગાડીને ધ્રાગંધ્રાના ફૂલગલીમાં રહેતા સાહિલભાઈ સલીમભાઈ ઘાંચી નામનો શખ્સ તેની ઘરમાં ઘૂસ્યો હતો અને આ શખ્સે બાળાનું બાવડું પકડીને જાતીય હુમલો કરતા ઓચિંતી આવી હરકતથી બાળકી ફફડી ઉઠી હતી અને તેણીએ દેકારો કરી મુક્યો હતો. જેથી આસપાસના લોકો તેની ઘરે દોડી ગયા હતા અને બાળકીની છેડતી કરનાર એ શખ્સની જાહેરમાં ઘોલ ધપાટ કરીને તેની શાન ઠેકાણે લાવી દીધી હતી. બાદમાં પોલીસને બોલાવીને તેને હવાલે કરી દીધો હતો. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીની એકલતાનો લાભ લઇ છેડતી કરી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.