મોરબી : મોરબીના ખાટકીવાસમાં રવિવારે બપોરે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ ઉગ્ર બનતાં સામસામી રિવોલ્વર ખેંચાઈ હતી. જેમાં બન્ને જૂથે એકબીજા ઉપર હથિયારોમાંથી ભડાકા કરતા બન્ને પક્ષના એક એક સભ્યની હત્યા થઈ હતી અને 6 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ડબલ મર્ડરની ઘટનામાં એ ડિવિજન પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધી હતી. જેમાં રફીક મેમણ અને મમુ દાઢી જૂથે એકબીજા ઉપર ઘાતકી હથિયારોથી હત્યા કરી અને ખૂની હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે રફીકભાઈ રજાકભાઈ માંડવીયા, હનીફભાઈ રજાકભાઈ માંડવીયા, અફઝલભાઈ રફીકભાઈ માંડવીયા, આસીફભાઇ રફીકભાઈ માંડવીયા, અરબાઝભાઈ અનવરભાઈ પમા અને આસીફભાઇ ફારૂકભાઈ મોટવાણીની અટકાયત કરી છે. તેમજ હાલમાં પોલીસે અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.