મોરબીમાં બનનાર એરપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો, બરવાળા નજીક બંધ કરવામાં આવેલા રેલવે ફાટકને ફરી ખોલવા અને નળિયા ઉધોગ માટે કરાઈ રજુઆત મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીઝ દ્વારા વિવિધ બાબતોને લઈને અલગ અલગ વિભાગોમાં ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી છે. એવિએશન મિનિસ્ટર હરદીપસિંગ પુરીને મોરબીના રાજપરા ખાતે બનનાર એરપોર્ટનું કાર્ય ઝડપથી પૂરું કરવા માટે ગુજરાત સરકારને નાણાકીય સહાય પુરી પાડવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ-૧૯ને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લઈને રાજકોટ રેન્જના ઇન્કમટેક્ષ કમિશનરને કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, 2020-21ના નાણાકીય વર્ષના રિટર્ન ભરવાની મુદત 6 માસ વધારી આપવામાં આવે તો વ્યવસાયકારો માટે એ રાહતરૂપ નિર્ણય હશે. રેલવે મંત્રીને કરાયેલી રજુઆતમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે, બરવાળા ખાતે બંધ કરવામાં આવેલા ફાટક નંબર 53ને કારણે આજુબાજુના ગ્રામજનો તથા ત્યાંથી નિયમિત પસાર થતા નાગરિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ કરાયેલા ફાટકને કારણે લોકોને 3થી 4 કિલોમીટર ફરીને આવાગમન કરવું પડતું હોય સમય, શક્તિ તથા નાણાનો વ્યય થઈ રહ્યો છે. આથી ત્વરિત આ ફાટક પુનઃ કાર્યવીંત કરવા જણાવાયું છે. મોરબીના નળિયા ઉધોગને પડી રહેલી હાલાકી નિવારવા ખાણ-ખનીજ મંત્રીને કરાયેલી રજુઆતમાં ચેમ્બરે જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં માટી પર લગાવાયેલી રૂપિયા 10 હજારની વાર્ષિક રોયલ્ટી રદ કરવામાં આવે કે જેથી કરીને આવક તથા વેચાણની દ્રષ્ટિએ મુશ્કેલી અનુભવી રહેલ અને અસ્તિત્વનો જંગ લડી રહેલ નળિયા ઉધોગને બચાવી શકાય.