આરોપીના મોટા ભાઈએ જ હત્યાના બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પારિવારિક ઝઘડાનો કરુણ અંત આવ્યો હતો. જેમાં દિયરે જ ભાભીની હત્યા કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ મામલે આરોપીના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અગાભી પીપળીયા ગામે રહેતા જયંતીભાઇ ધારશીભાઇ ઝખાનીયા (ઉ.વ. ૨૫)એ તેના નાનાભાઈ મુકેશભાઇ ધારશીભાઇ ઝખાનીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૮ના રોજ બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીની નવી માતાનો દીકરો મુકેશ તથા તેની પત્ની હીરાબેન બન્ને તેના ઝુપડે ઝગડો બોલાચાલી કરતા હોય અને તેની પત્ની હીરાબેન ફરીયાદીના છાપરે ફરીયાદીની પત્ની મીનાબેન પાસે આવતા આ મુકેશને સારૂ નહી લાગતા, તે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની પત્ની મીનાબેનને જેમફાવે તેવી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીની પત્નીએ ગાળો દેવાની ના પાડતા, આરોપી મુકેશે પોતાની પાસેની લાકડીથી ફરીયાદીની પત્ની મીનાબેનને માથામાં તેમજ શરીરે આડેધડ માર મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.