પીએસઆઇએ વૃદ્ધ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી વાંકાનેર : હાલ કોરોનાની મહામારીને કારણે ચેપ ન ફેલાય તે માટે જાહેરમાં માસ્ક પહેરીને નીકળવાનો ફરજિયાત નિયમ હોવા છતાં વાંકાનેરમાં જાહેરમાં બાઈક ઉપર વૃદ્ધ માસ્ક પહેર્યા વગર જ નીકળતા પોલીસે તેમને દંડ ભરવાનું કહેતા ઉલ્ટાનું વૃદ્ધે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. આથી પીએસઆઇએ વૃદ્ધ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર સીટી સીટી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.પી.સી.મોલીયાએ આરોપી વાંકાનેરના રોયલ પાર્કમાં રહેતા નથુભાઇ હમીરભાઇ બેડવા (ઉવ.૬૦) સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તા.૧૯ ના રોજ ફરિયાદી પોતાની રાજય સેવકની ફરજ અન્વયે વાંકાનેર વાંઢા લીમડા ચોક ખાતે પોલીસ કર્મચારી સાથે હાજર રહી જાહેરમા માસ્ક નહિ પહેરનાર અને જાહેરમા થુકનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા હતા તે વખતે આરોપી બુલેટ જી.જે-૦૩.કે.એસ.-૫૬૬૫ ચલાવી માસ્ક પહેર્યા વગર જાહેરમા નીકળતા પોલીસે આરોપીને જાહેરમા માસ્ક પહેર્યા વગર કે પોતાનો ચહેરો ઢાંકયા વગર જાહેરમા નીકળતા હોવાથી સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામાની જોગવાઇ મુજબ રૂ.૧૦૦૦ નો દંડ સ્થળ ઉપર ભરવાનુ જણાવતા આરોપીએ સ્થળ ઉપર દંડ નહિ ભરી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી અભદ્ર ગાળો બોલી કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હતી.વાંકાનેર પોલીસે આ બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.