મોરબી : મોરબી-જેતપર હાઇવે પર બેફિકરાઈથી દોડી રહેલી સીએનજી રિક્ષામાં આગળનું વ્હિલ નીકળી જતા રિક્ષામાં બેસેલા વૃદ્ધ રિક્ષામાંથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે માથાના ભાગે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પેસેન્જર પણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવી મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રીક્ષા નંબરના આધારે નાસી છૂટેલા રીક્ષા ડ્રાઈવરને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. મોરબી-જેતપર હાઇવે પર જી.ઇ.બી.સબસ્ટેશન સામે, અમરનાથ મંદિરની નજીકથી શનિવારે વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નંબર GJ 03- AX- 7445 પસાર થઈ રહી હતી એ દરમ્યાન ગતિમાં રહેલી ચાલુ રિક્ષાએ આગળનું વ્હિલ નીકળી જતા રિક્ષામાં બેસેલા બે પેસેન્જરો પૈકી 60 વર્ષીય કેશુભાઈ નાનજીભાઈ પટેલનું રોડ પર ફંગોળાઈ જવાથી માથા તથા શરીરે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પેસેન્જર ઉમેશભાઈ બીજલભાઈ વાઘેલા રહે. ઇન્દિરા નગર, મહેન્દ્રનગરને શરીરે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ રીક્ષા ડ્રાઈવર રીક્ષા મૂકીને નાસી જતા મૃતક કેશુભાઈના પુત્ર મહેશભાઈએ (રહે. મહેન્દ્રનગર, ધર્મમંગલ સોસાયટી, સામા કાંઠે) રીક્ષા ડ્રાઈવર સામે બેફિકરાઈથી રીક્ષા ચલાવી અકસ્માત નોતરતા ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ઉક્ત બનાવની ફરિયાદ નોંધી નાસી છૂટેલા ડ્રાઈવરને રીક્ષા નંબરને આધારે શોધવાની કવાયત હાથ ધરી છે. બનાવની તપાસ તા.પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. ડી.વી. ડાંગર ચલાવી રહ્યા છે.