મોરબી-વાંકાનેર સ્ટેટનો ગૌરવવંતો ઇતિહાસ પણ નવી પેઢી માટે તાદ્રશ્ય થશે તો જૂની પેઢીના સંસ્મરણો થશે તાજા મોરબી : ગાંધીનગર ખાતે ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ- આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નર્મદાના કિનારે કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના સાનિધ્યમાં બનાવવામાં આવનાર મ્યુઝિયમમાં 562 રાજા રજવાડાના ભવ્ય ઇતિહાસની ત્વારીખ આલેખવાના આયોજન બાદ પૂર્વ રાજવીઓ દ્વારા મુખ્યમંત્રીના અભિવાદનનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા ખાતે તૈયાર થનાર ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતુ માહિતી સભર મ્યુઝિયમ બનાવવાની પહેલ રાજ્ય સરકારે કરી છે. જે તમામ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે. કેવડિયા ખાતે પ્રવાસે આવનાર દરેક મુલાકાતી એકતાનો ભાવ લઇને પરત ફરે તે ઉદ્દેશથી મુખ્ય પ્રવેશદ્વારને એકતાનગર નામ આપવામાં આવ્યું છે. રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતા મ્યુઝિયમના નિર્માણ માટે રાજ્ય સરકાર અને રાજવી પરિવારોના અગ્રણીઓની કમિટી પણ બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આજે ગાંધીનગર ખાતે પાઘડી પહેરાવીને ઋણ સ્વીકાર કરી અભિવાદન કરાયુ હતું. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત ક્ષત્રિય સમાજની સંસ્થા અને આગેવાનોનો પરિચય કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમૃદ્ધ અને ગૌરવવંત રાજવીઓની યાદીમાં મોરબી સ્ટેટ પણ અવ્વલ રહેલું છે. ત્યારે મોરબી, વાંકાનેર, સહિતના રજવાડાઓની ગૌરવગાથા પણ પ્રસ્તાવિત મ્યુઝીમમાં જોવા-માણવા મળશે. મોરબીની નવી પેઢીને મોરબી સ્ટેટના સમૃદ્ધ અને ગૌરવપ્રદ ઇતિહાસની રોચક માહિતી કેવડિયા સ્થિત ઉક્ત મ્યુઝિયમમાં નજીકના સમયમાં જોવા મળશે ત્યારે અનાયાસે જ વર્તમાન મોરબીની તસ્વીર સાથે રજવાડાની તુલના, નવી પેઢીમાં અનેરો રોમાંચ પેદા કરશે એમાં બેમત નથી.