આંચકાનું કેન્દ્રબિંદુ મોરબીથી 10 કી.મી. દૂર રંગપર પાસે જમીનથી 3.6 કી.મી.ની ઊંડાઈએ મોરબી : શુક્રવારે મોડી રાત્રે 12:03 મિનિટે મોરબીમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે, આંચકાની તીવ્રતા 2.2 હોવાથી મોટાભાગના શહેરીજનોએ તેનો અનુભવ કર્યો ન હતો. ગાંધીનગર સ્થિત ભૂકંપ માપક કચેરીમાં ગત મોડી રાત્રે મોરબીમાં 2.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. રાત્રે 12ને 3 મિનિટે ભૂકંપ માપક યંત્રમાં નોંધાયેલા આંચકાનું કેન્દ્રબિંદુ મોરબીથી ઉત્તર-પૂર્વ દિશામાં 10 કિલોમીટર દૂર અને ધરતીની સપાટીથી 3.6 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ અંતરથી રંગપર પાસે કેન્દ્રબિંદુ હોવાનું સ્પષ્ટ થયું હતું. વધેલી ઠંડીને લઈને શહેરીજનો નિંદ્રાધીન બન્યા હતા ત્યારે મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો ન હતો. મોરબી સિવાય કચ્છના ધોળાવીરા પાસે, ભચાઉ, રાપર, ઉના, તાલાળા, ડીસા અને ધ્રોલ સહિતના વિસ્તારોમાં પણ સવારથી મોડી રાત્રી દરમ્યાન નાના આંચકાઓ નોંધાયા હતા.