અન્ય હોસ્પિટલોની સાપેક્ષ મોરબીની કોવિડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળી રહી છે તમામ સુવિધા : કોવિડ દર્દીઓના સ્વસ્થ થવાનો રેસિયો ઊંચો મોરબી : કોવિડ મહામારીને લઈને ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સારવાર અને સેવાના નામે દર્દીઓને પડતી હાલાકીના સમાચારો વારંવાર અખબારોના પાને ચમકતા રહે છે, ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ, ઉત્કૃષ્ટ સારવાર સાથે મળી રહી હોવાનું હાલમાં જ સ્વસ્થ થયેલા દર્દીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને હોસ્પિટલની સારવાર અંગે તેમજ અન્ય સુવિધાઓ વિશે પૂછવામાં આવતા એક દર્દીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની સારવાર અંગે લોકોમાં ખોટી નકારાત્મક બાબતો રૂઢ થઈ ગઈ છે. જેના વિપરીત મોરબી સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે વિનમ્ર સ્ટાફ અને પ્રત્યેક દર્દીની લેવાતી અંગત કાળજીને કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવું લાગતું જ નથી. ઘર જેવું વાતાવરણ, ઘર જેવી ચોખ્ખાઈ, વિનમ્ર સ્ટાફ, સવારે સમયસર નાસ્તો અને ચા પાણી, સાંજે સમયસર નાસ્તો અને ચા પાણી તેમજ દિવસમાં બે વાર પૌષ્ટિક આહાર સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરમાં મળી રહે છે તેવું જણાવતા હાલમાં જ ડિસ્ચાર્જ થયેલા એક દર્દીએ જણાવી લોકોને અપીલ કરી છે કે, સરકારી હોસ્પિટલોની ફેલાવાતી, કહેવાતી નકારાત્મક કામગીરીથી ભરમાશો નહીં. ખાસ કરીને મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને કોઈ પણ જાતની સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો અને દર્દીઓને કોઈપણ જાતની ફરિયાદનો મોકો આપવામાં આવતો નથી. વિનમ્ર સ્ટાફ, લાગણી સભર વાતાવરણને કારણે મોટાભાગના દર્દીઓ ખૂબ ઝડપથી રીકવરી મેળવી લેતા હોય છે. ત્યારે કોરોનાથી સંક્રમિત લોકોએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં સારવાર કરાવવાનો અનુરોધ એક સ્વસ્થ થયેલા દરદીએ કર્યો છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે થતો લાખો રૂપિયાનો ખર્ચ તેમજ સુવિધાના નામે મીંડું હોવાની ફરિયાદો રોજિંદી બની છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરની સકારાત્મક હકીકત જાણીને નાગરિકોને સરકારી હોસ્પિટલમાં જ સારવાર કરાવવાનો અનુરોધ કરતો એક વિડીઓ હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થયેલા એક દર્દીએ સરકારી હોસ્પિટલની સુંદર વ્યવસ્થા અને પ્રોપર સારવાર અંગે પોતાનો સ્વાનુભવ વર્ણવ્યો છે. કોઈ પણ ભય કે ભ્રાંતિ વિના લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનો અનુરોધ કરતો આ વિડીઓ ખાસો વાઇરલ થયો છે. https://www.youtube.com/watch?v=B-Dr5DFXWCM&feature=youtu.be