કેનાલના પાણી ઉભા પાકમાં ઘુસી જતા ખેડૂતોને મોટી નુકશાની : કેનાલની સફાઈના અભાવે આ પરિસ્થિતિ સર્જાતા નધરોળ તંત્ર સામે ખેડૂતોનો આક્રોશ હળવદ : હળવદના માનસર ગામ નજીક બ્રાહ્મણી ડેમ-1ની કેનાલ આજે અચાનક ઓવરફ્લો થતા આ પાણી મોટી માત્રામાં ખેતરોમાં ફરી વળી હતા. ખેડૂતોના ઉભા પાકમાં કેનાલના પાણી ઘુસી જતા મોટી નુકશાની વેઠવાની નોબત આવી છે. ખાસ કરીને કેનાલની સફાઈ ન થઈ હોવાથી આ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ અતિવૃષ્ટિમાં થયેલી પાક તારાજીને સરભર કરવા રવીપાકનું વાવેતર કર્યું હતું. તેમાં પણ કેનાલના પાણી ઘુસી જતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. હળવદના માનસર ગામ નજીક આવેલી બ્રાહ્મણી ડેમ-1 ડેમની બે નંબરની કેનાલ આજે અચાનક ઓવરફ્લો થઈ હતી. કેનાલ ઓવરફ્લો થતા તેનું બધું જ પાણી ગામના ખેતરોમાં ફરી વળ્યું હતું અને ઉભા પાકમાં કેનાલનું પાણી ઘુસી જતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ કેનાલનું પાણી શેરડી અને જીરાના પાકમાં ઘુસી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. ઓણ સાલ અતિવૃષ્ટિને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. આથી, આ ખોટને સરભર કરવાની આશાએ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું. એમાં પણ હવે કેનાલના પાણીએ ખેડૂતોની મહેતન ઉપર પાણી ફેરવી દીધું છે. આથી, ખેડૂતો મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાય ગયા છે. કેનાલ ઓવરફ્લો થવાનું મુખ્ય કારણ એ છે કે કેનાલની સફાઈ જ કરવામાં આવતી નથી. જેના કારણે કેનાલમાં બાવળની ઝાડીઓ અને ઘાસચારો ઊગી નીકળ્યો છે. આથી, ડેમમાંથી જ્યારે કેનાલમાં પાણી છોડવમાં આવે ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ ઝાડીઓના કારણે પાણી જઈ ન શકતા કેનાલ ઓવરફ્લો થાય છે.આજે પણ આવું જ બન્યું હતું અને કેનાલ ઉભરાતા બધું જ પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી, ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. નધરોળ તંત્રના પાપે આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.