યુવતીના ઇન્કારથી ક્રોધિત થયેલા યુવાને છેડતી કરીને ધમકી આપી હળવદ : હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમી સાથેનો પ્રેમસબંધને તોડી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીએ આ બનાવની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને તે જ ગામે રહેતા યુવાન વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. પણ યુવતીએ કોઈ કારણોસર આ યુવાન સાથેનો પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. જેથી, યુવાન રોષે ભરાયો હતો અને રોષે ભરસયેલા યુવાને ફરિયાદી યુવતીના ઘરે જઈને તેણીનું બાવડું પકડી છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં અન્ય વ્યક્તિ સાથે પણ ઝપાઝપી કરી હતી. આથી, યુવતીએ આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.