મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા સતત ત્રીજા વર્ષે ગંગાસ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના દરબાર ગઢ નજીક રામ મંદિર ખાતે 50 વર્ષથી વધુ વયના ગંગાસ્વરૂપ બહેનો માટે ક્લબ દ્વારા રાશન કીટનું વિતરણ દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે. હાલ કોરોના મહામારીના લીધે થોડા સમય માટે આ વિતરણ બંધ રાખવામાં આવેલ હતું. પરંતુ હવે તમામ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે આ વિતરણ ફરી શરુ કરવામાં આવેલ છે. જેમાં 125થી વધુ જ્ઞાતિબાધ વિના કોઈપણ જ્ઞાતિની વિધવા બહેનોને વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, લાયન્સ ક્લબ દ્વારા મોરબીના હોમગાર્ડના જવાનોને સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કરવામાં આવેલ છે. જે જવાનોએ લોકડાઉન દરમિયાન નિષ્ઠાપૂર્વક સેવા આપેલ તેવા તમામ હોમગાર્ડ જવાનોને પણ ક્લબ દ્વારા ગત 6 ડિસેમ્બરના રોજ સન્માન પત્ર આપવામાં આવેલ છે. તેમ સેક્રેટરી પ્રતીક કોટેચા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.