ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો અને વેપારીઓની અવરજવર માટે ટ્રેન વ્યવહાર પૂર્વવત થવો જરૂરી : વાંકાનેરમાંથી પસાર થતી તમામ ટ્રેનોને વાંકાનેર ખાતે સ્ટોપ આપવા રાજકોટ વેસ્ટર્ન રેલવેને રજૂઆત મોરબી : મોરબી જિલ્લામાં રેલ્વે સુવિધા પુન: ચાલુ કરવા અંગે તેમજ કોરોના કાળમાં બંધ થયેલ અને ફરી કાર્યરત થયેલ ટ્રેનો જેનો સ્ટોપ વાંકાનેર આપવામાં આવેલ નથી. તે સ્ટોપ વાંકાનેર ખાતે આપવા અંગે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલવેના મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી વિસ્તારની પેસેન્જર ટ્રેઇનો કોરોના અંતર્ગત બંધ કરાવેલ છે. જેમાં મોરબી-વાંકાનેર-માળિયા અને રાજકોટ સુધી જતી ડેમુ ટ્રેઈન પણ છેલ્લા આઠેક માસથી બંધ છે. હવે જયારે ટ્રેઇન વ્યવહાર પૂર્વવત કરવામાં આવેલ છે ત્યારે સૌ પ્રથમ તો ડેમુ ટ્રેઇન ચાલુ કરવા તેમજ રાજકોટ કે અમદાવાદ તરફ જતી અથવા આવતી ટ્રેઇનો સાથે જોડાણ આપવું અને તે ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપ આપવું જોઈએ. કેમ કે મોરબીના પેસેન્જરોને ના છૂટકે રાજકોટ આવવા-જવાની ફરજ પડે છે. જેના કારણે ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડે છે તેમજ મુસાફરી વધુ ખર્ચાળ બને છે. વધુમાં, કચ્છ અને પોરબંદર-વેરાવળ તરફથી આવતી-જતી ટ્રેઇનોને પણ વાંકાનેર સ્ટોપ આપવામાં આવેલ ન હોય મુસાફરો ખૂબ જ હેરાન થાય છે. આમ, વાંકાનેર સ્ટેશનેથી પસાર થતી તમામ ટ્રેનોને વાકાંનેરમાં સ્ટોપ આપવું ખૂબ જ જરૂરી છે. તેમજ કચ્છ તરફથી આવતી જતી ટ્રેઇનો પૈકી એકાદ-બે ટ્રેઈનને સાપ્તાહિક બે વાર મોરબી સ્ટોપ આપેલ છે, તે વધારીને કચ્છથી અન્ય રાજયોમાં જતી તમામ ટ્રેઇનો જે મોરબી-માળિયાને લાગુ પડતી હોય તેને મોરબીથી ચલાવવી જોઇએ. તેમજ અન્ય રાજયો માટે મોરબીથી સીધી ટ્રેઇનો પણ ચાલુ કરવી જોઈએ. મોરબી અનેક ઉદ્યોગો ધરાવતું શહેર છે તથા મીઠા નિકાલ, ટાઇલ્સ નિકાસ, ઘડિયાળ ઉદ્યોગ માટે આ ટ્રેઇન વ્યવહાર વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય તે ખૂબ જ જરૂરી છે. આમ જનતાના હિતાર્થે અને આ ઉદ્યોગમાં મહદ અંશે પરપ્રાંતીય શ્રમિકો અને વેપારીઓની ભારે મોટી અવર-જવર રહેતી હોય આ સુવિધા જનહિતને ધ્યાનમાં રાખી વહેલામાં વહેલી તકે ચાલુ થાય તેવો સુયોગ્ય પ્રબંધ સત્વરે કરવા માંગણી કરાઈ છે.