આઠેક માસથી ચાલતા રોડના કામને લઈને માર્ગ સાંકડો બનતા વાહનચાલકોને પડતી પારાવાર મુશ્કેલી મોરબી: રોડ-રસ્તા તથા ગટર ઉભરાવવાની સમસ્યા અને સ્વચ્છતા માટે મોરબી શહેર વગોવાઈ ગયું છે. શહેરમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારોમાંથી ઉપરોક્ત સમસ્યા સંદર્ભે ફરિયાદો ઉઠતી જ રહેતી હોવા છતાં હવે જાણે તંત્રવાહકોના કોઠે પડી ગયું હોય એમ કોઈ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી રહ્યું નથી ત્યારે, મોરબીના વાવડી રોડનું મંથરગતિથી ચાલતું સમારકામ અને ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. મોરબીના વાવડી રોડ પર છેલ્લા આઠેક માસથી રોડનું સમારકામ મંથરગતિથી ચાલતું હોય એક તરફી માર્ગનો ટુ-વે તરીકે ઉપયોગ કરવો પડી રહ્યો છે. આથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. અધૂરામાં પૂરું આ માર્ગ પર ગટર ઉભરાવવાની ત્રાસદી પણ વાહનચાલકો માટે માથાના દુઃખાવારૂપ બની છે. આટલી તકલીફો વચ્ચે આડેધડ કરાતા મોટા વાહનોના પાર્કિંગને લઈને સમસ્યા વધુ વકરી છે. ત્યારે વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યા જૈસે થેની સ્થિતિમાં જ રહી છે. હાલમાં પાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થતાં વહીવટદારના હાથમાં શાસનની ધૂરા આવી છે. શાસન સંભાળતી વખતે વહીવટદારે મોરબીના દરેક વોર્ડમાં કર્મચારીઓ અને અધિકારીઓની નિયમિત મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી હતી ત્યારે હવે ફરી એકવાર ઉક્ત માર્ગની સમસ્યા વિશે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે વાવડી રોડની ઉપરોક્ત સમસ્યાનું કેટલા દિવસોમાં નિરાકરણ આવે છે.