સરકારી સંસ્થા હોવાની ઓળખ આપી વિવિધ ગામોમાં કેમ્પ નાખી એક આધારકાર્ડ દીઠ 350 રૂ.ના ઉઘરણાં કરાઈ છે ગ્રામજનોની ફરિયાદ બાદ ઘુનડા ગામે મોરબી અપડેટની ટીમે સ્ટિંગ ઓપરેશન કરતા ચોકવાનારી વિગતો બહાર આવી મોરબી : 'મારો આધાર, મારી ઓળખ'ની ટેગલાઈન ધરાવતા દેશના નાગરિકની ઓળખ એવું આધાર કાર્ડ દરેક માનવી માટે અતિ મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ અન્ય દસ્તાવેજ બનાવવા માટે કે સરકારી કે ખાનગી સેવાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ આવશ્યક છે. ત્યારે સ્થાનિક તંત્રની જાણ બહાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આધાર કાર્ડના નામે રૂપિયાના ઉઘરાણાં થતા હોવાની ફરિયાદ મળતાં 'મોરબી અપડેટ'ના સ્ટિંગ ઓપરેશનમાં ચોકવાનારી વિગતો બહાર આવી છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં UIDIના નામે ખોટી રીતે આધાર કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનો 'મોરબી અપડેટ' દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીના વિવિધ ગામોમાં સરકારી સંસ્થા હોવાની ઓળખ આપી કેમ્પ નાખી એક આધાર કાર્ડ દીઠ 350 રૂ.ના ઉઘરણાં કરાઈ રહ્યા છે. ગ્રામજનો તરફથી આવી ફરિયાદ મળ્યા બાદ ઘુનડા ગામે મોરબી અપડેટની ટીમે સ્ટિંગ ઓપરેશન કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર મામલો જોઈએ તો 'મોરબી અપડેટ'ને જાણવા મળ્યું હતું કે મોરબીના ગામોમાં સરકારી સંસ્થાની ઓળખ આપી ગેરકાયદે આધાર કાર્ડ કાઢી આપવાના દાવા કરી ગામડાની પ્રજા પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આ વાતની જાણ થતા 'મોરબી અપડેટ' ટીમે તપાસ કરી હકીકત બહાર લાવવા સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્ટિંગ ઓપરેશન માટે ઘુનડા ગામે મંદિરની બાજુના હોલમાં જ્યાં ખોટી રીતે આધાર કાર્ડનું કેન્દ્ર ચાલતું હતું ત્યાં 'મોરબી અપડેટ'ની ટીમ દ્વારા આધાર કાર્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ત્યાં બેઠેલા વ્યક્તિએ 350 રૂ. માંગ્યા હતા. અને ત્યાં આવેલા લોકો પાસે આધાર કાર્ડ કરવા માટે ફોર્મ ભરવાથી લઇ છેલ્લે સુધી તમામ પ્રોસેસ કરાવવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી ઘૂન્ડા ગામમાં આધાર કાર્ડનો કેમ્પ નાખેલો છે. જેમાં અત્યાર સુધી 100થી વધુ લોકો પાસેથી રૂ. 350 પડાવવામાં આવ્યા છે. અને આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોને કહેવામાં આવે છે કે 15-20 દિવસમાં પોસ્ટના માધ્યમથી આધાર કાર્ડ ઘરે પહોંચી જશે. તેમજ તે લોકોએ પોતે સરકારી સંસ્થામાંથી આવ્યા હોવાનું અને સરકાર મેઈલ મોકલે તે પ્રમાણે ગામોમાં જઈ આધાર કાર્ડ કાઢતા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી તંત્ર દ્વારા આધાર કાર્ડ વિનામુલ્યે કાઢી આપવામાં આવે છે. તેમજ આધાર કાર્ડ સૌ પ્રથમ ઓનલાઇન આવી ગયા બાદ ફિઝિકલ રીતે ઘરે પહોંચતા 1 મહિનાથી વધુ સમય લાગે છે. તેમજ ખાનગી કંપનીઓને આધાર કાર્ડ કાઢી આપવાની મંજૂરી જ નથી, માત્ર સરકારી કચેરીઓ અને બેન્કમાં જ આધાર કાર્ડની પ્રક્રિયા થાય છે. આથી, આવા કેમ્પ નાખનારા લોકો ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા હોવાની પુરી શકયતા છે. આવા લોકો ગ્રામજનોમાં આધાર કાર્ડની અપૂરતી સમજ, જાગૃતિનો અભાવ તેમજ વહેલાસર આધાર કાર્ડ નીકળી જાય એવા લોભનો ઉઠાવે છે. અને પૈસા ખર્ચીને પણ છેલ્લે છેતરાય છે. શું કહે છે આ મામલે સરકારી અધિકારીઓ? આ અંગે કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર મેસરીયાએ જણાવ્યું છે કે, હાલમાં માત્ર સરકારી કચેરીઓ અને નિયત બેંકોમાં આધાર કાર્ડના કેન્દ્રો ચાલે છે. આ સિવાય અન્ય સંસ્થાઓને મંજૂરી અપાઈ નથી. તેમજ નવું આધાર કાર્ડ કાઢવા માટે કોઈપણ વ્યક્તિએ એકપણ રૂપિયાનો ચાર્જ આપવાનો નથી. અને આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવા માટે માટે જ રૂ. 50નો ચાર્જ લાગે છે. વધુમાં, તેમને આ બનાવ અંગે શું કાર્યવાહી કરશો તેમ પૂછતાં, તેમણે કહ્યું છે કે આ અંગે મામલતદારને જાણ કરી મામલતદાર તરફથી જે સૂચના આપવામાં આવશે તેમ પગલાં લેવામાં આવશે. તેમજ તાલુકા સ્તરે કાર્યવાહી થઇ શકે છે. આ અંગે ઘુનડા ગ્રામ પંચાયતના અધિકારીઓને પૂછતાં તેઓએ પણ એમ જણાવ્યું હતું કે અમને કાંઈ બાબતની જાણ નથી. ત્યારબાદ તલાટીને જાણ કરવામાં આવતા તલાટી દ્વારા તપાસ કરાવામાં આવી અને આ ગેરકાયદેસર ચાલતા કેમ્પને બંધ કરાવી દેવામાં આવ્યો છે. આમ, 'મોરબી અપડેટ'ના સ્ટિંગ ઓપરેશન બાદ સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો છે. અને તંત્ર પણ નિંદ્રામાંથી જાગ્યું છે. તેમજ વધુ લોકો આધાર કાર્ડના નામે છેતરાય તે પહેલા ગેરકાયદે ચાલતું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. https://www.youtube.com/watch?v=EIIwEhO5EFs&feature=youtu.be