મોરબી : મોરબી જિલ્લાના નાના દહીંસરા ગામ નજીક ગેરકાયદેસર ચાલતા કોલસાના એકમને બંધ કરાવવા અંગે જાગૃત નાગરિક વિજયસિંહ ઝાલાએ પ્રદૂષણ નિયંત્રણ અધિકારીને રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે રજૂઆતકર્તા વિજયસિંહનું ખેતર પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહિંસરામાં બાયોડીઝલના પેટ્રોલ પંપની પાછળ આવેલું છે. તેમના ખેતરની હદની બાજુમાં અડોઅડ આવેલા કોલસાના યુનિટમાંથી દિવસ અને રાત દરમ્યાન ખુબ જ ડસ્ટ તેમજ કોલસાની ભૂકી ઉડીને ખેતરમાં પડતી હોય છે. આથી, ખેતરના પાકને અને જમીનને નુકસાન થવા પામેલ છે. વધુમાં, આ કોલસાનું એકમ બિનઅધિકૃત રીતે ચાલી રહ્યું છે. તેમજ ખુલ્લી જગ્યામાં કાર્યરત છે. જેના માટે તેમની પાસે કોઇપણ પ્રકારની મંજૂરી નથી. આ એકમ છેલ્લા એક મહિનાથી ધમધમે છે. છતાં તેમની જગ્યા પર કોઇપણ અધિકારી નિરીક્ષણ કરવા આવેલ નથી. આ ગેરકાયદેસર યુનિટને ઘણી વખત તેઓએ જાણ કરેલી કે આપના યુનિટ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી આવશ્યક છે. પરંતુ યુનિટવાળા ઉડાઉ જવાબ આપતા એમ કહેતા હોય છે કે અમોને તેમની કોઈપણ પરમિશનની જરૂર નથી. તેમજ યુનિટ તરફથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રેગ્યુલર હપ્તો જતો હોય છે. તેથી, આ એકમ બંધ ન કરાવી શકે. આમ, આવા જવાબ મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્યાનું નિવારણ લાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે.