અગાઉ પણ ત્રણ વાર ચોરીનો પ્રયાસ થયો હોવાથી રહીશોમાં ફફડાટ મોરબી : મોરબીની ધર્મનગર સોસાયટીમાં બે ઘરો પર તસ્કરો ત્રાટક્યા હતા. અને સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. આ બનાવના લીધે અને અગાઉ પણ ત્રણ વાર ચોરીનો પ્રયાસ થયો હોવાથી રહીશોમાં ફફડાટ જોવા મળે છે. મોરબીના રાજપર રોડ પર ધર્મનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે બે ઘરોમાં ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. એક ઘરમાંથી તસ્કરો ચાંદીના સાંકળા, સોનાની બુટ્ટી તથા 5-7 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. તેમજ અન્ય ઘરમાં પણ તસ્કરોએ ચોરી કરી બધો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે બીજા ઘરમાંથી શું ચોરી થયું તેની વિગતો મળી નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તસ્કરોએ આ સોસાયટીમાં ત્રણ વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે બે ઘરોમાં ચોરી થઇ હતી. તેમજ હાલ શિયાળાના લીધે લોકો મીઠી નીંદરમાં હોવાથી ચોરીના બનાવોની સંભાવના વધી જતી હોય છે. આથી, સ્થાનિકોમાં તસ્કરોનો ભય ફેલાયો છે. તેમજ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.