થોડા દિવસો પહેલા કરેલી રજુઆતને તંત્રએ ધ્યાને ન લેતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ મોરબી : મોરબીના ભડીયાદ ગામે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવણી અને સનદ આપવાના મુદ્દે થોડા દિવસો પહેલા જાગૃત નાગરિકે સંબધિત તંત્રને રજુઆત કરી હતી. પણ તંત્રએ આ રજુઆત ધ્યાને ન લેતા જાગૃત નાગરિકે અંતે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે, અને આવતીકાલથી જાગૃત નાગરિકે પ્રતીક ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરી છે. મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશનની પાછળ આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક અનિલભાઈ અંબાલિયાએ ફરી આજે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે મોરબીના ભડિયાદ ગામે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવણી તેમજ સનદ આપવાની માંગ સાથે થોડા દિવસો અગાઉ તંત્રને રજુઆત કરી હતી. અને આ માંગણી ન સંતોષાઈ તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. પરંતુ આ રજુઆત સંદર્ભે સંબધિત તંત્રએ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા તેમણે આપેલી ચીમકી મુજબ આવતીકાલે તા. 11 ના રોજ તેઓ પ્રતીક ઉપવાસ આંદોલન કરશે. કોરોના અંગે સરકારની ગાઈડલાઈનને ધ્યાને રાખીને આ ઉપવાસ આંદોલનમાં વધુ વ્યક્તિઓ નહિ લેતા ચાર જ વ્યક્તિઓ ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવુ તેમણે જણાવ્યું હતું. તેમજ જ્યાં સુધી પ્લોટ ફાળવણી મુદ્દે ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે તેવો પણ નીર્ધાર જાહેર કર્યો છે.